ઈરાની સૈનિકોએ પાકિસ્તાનમાં ઘૂસીને અનેક આતંકીઓને ઠાર કર્યા હોવાના અહેવાલ છે.

સરકારી મીડિયાને ટાંકીને ઈરાન ઈન્ટરનેશનલ ઈંગ્લિશે અહેવાલ આપ્યો છે કે ઈરાની સૈન્ય દળોએ જૈશ અલ-અદલ આતંકવાદી જૂથના કમાન્ડર ઈસ્માઈલ શાહબખ્શ અને તેના કેટલાક સહયોગીઓને પાકિસ્તાની વિસ્તારમાં ઘૂસીને મારી નાખ્યા છે.

અલ અરેબિયા ન્યૂઝના અહેવાલ મુજબ, જૈશ અલ-અદલને ઈરાન દ્વારા આતંકવાદી સંગઠન જાહેર કરવામાં આવ્યું છે.

આ આતંકવાદી સંગઠન 2012 માં બનાવવામાં આવ્યું હતું અને તે એક સુન્ની આતંકવાદી જૂથ છે જે ઈરાનના દક્ષિણ-પૂર્વ પ્રાંત સિસ્તાન-બલુચિસ્તાનથી કાર્યરત છે

છેલ્લા કેટલાક વર્ષોમાં જૈશ અલ-અદલે ઈરાની સુરક્ષા દળો પર અનેક હુમલા કર્યા છે.

અલ અરેબિયા ન્યૂઝ અનુસાર, ડિસેમ્બરમાં જૈશ અલ-અદલે સિસ્તાન-બલુચેસ્તાનમાં એક પોલીસ સ્ટેશન પર હુમલાની જવાબદારી સ્વીકારી હતી, જેમાં ઓછામાં ઓછા 11 પોલીસ કર્મચારીઓ માર્યા ગયા હતા.

ધ ન્યૂઝ ઈન્ટરનેશનલના જણાવ્યા અનુસાર ઈરાન અને પાકિસ્તાન એકબીજા પર મિસાઈલથી હુમલો કરતા રહે છે.

જેમાં અનેક આતંકીઓ માર્યા ગયા છે. હજુ ગયા મહિને જ બંને દેશોએ પરસ્પર સુરક્ષા સહયોગને વિસ્તારવા માટે સંમતિ પણ દર્શાવી હતી.

આ કરારની જાહેરાત પાકિસ્તાનના વિદેશ મંત્રી જલીલ અબ્બાસ જિલાની અને તેમના ઈરાની સમકક્ષ હોસૈન અમીર-અબ્દુલ્લાહિયાને પાકિસ્તાન વિદેશ કાર્યાલય ખાતે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કરી હતી.

આ દરમિયાન પાકિસ્તાનના વિદેશ મંત્રી જલીલ અબ્બાસ જિલાનીએ કહ્યું હતું કે બંને દેશો પોતપોતાના ક્ષેત્રમાં આતંકવાદ સામે લડવા અને એકબીજાની ચિંતાઓને દૂર કરવા પણ સંમત થયા છે તેમજ બંને દેશ પોતાની ગેરસમજણો દૂર કરીને તેમના મુદ્દાઓને જલ્દી ઉકેલી શકે છે.

નોંધનીય છે કે તેહરાન અને ઈસ્લામાબાદ દ્વારા ‘આતંકવાદી એકમો’ને નિશાન બનાવીને એકબીજા પર મિસાઈલ હુમલા કર્યા બાદ બંને દેશો વચ્ચે તણાવ વધી ગયો હતો
અને આ બધા વચ્ચે ઇરાને ફરી પાકિસ્તાનમાં ઘૂસી આતંકીઓના અડ્ડા ઉપર હુમલો કર્યો છે.