વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી 24 ફેબ્રુઆરી સુધી ગુજરાતના પ્રવાસે રહેશે.
તેઓ આજે સવારે જ અમદાવાદ પહોંચ્યા હતા, જ્યાં તેમણે ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની સુવર્ણ જયંતિની ઉજવણીમાં ભાગ લીધો હતો.
બપોરે તેઓ મહેસાણાના તરભ ખાતે આવેલા શ્રી વાળીનાથ મહાદેવ મંદિરમાં પૂજા અર્ચના કરી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે મહેસાણા જિલ્લાના તરભ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રૂ. 13000 કરોડથી વધુના અનેકવિધ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
પીએમ મોદીએ સૌથી પહેલા મહેસાણામાં રોડ શો કર્યો હતો. ત્યારબાદ વિસનગર તાલુકાના તરભમાં આવેલા શ્રી વાળીનાથ ધામ મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં ભાગ લેવા પહોંચ્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રી વાળીનાથ ધામ મંદિરમાં ‘પ્રાણ પ્રતિષ્ઠા’ સમારોહમાં હાજરી આપી હતી. આ દરમિયાન તેમણે જનસભાને સંબોધી હતી.
તેમણે કહ્યું, ‘દેશના વિકાસનો આ એક અનોખો તબક્કો છે, જ્યાં ‘દેવ કાજ’ કે ‘દેશ કાજ’ બંને ઝડપથી થઈ રહ્યા છે.
તેમણે કહ્યું,કે ‘બરાબર એક મહિના પહેલા 22 જાન્યુઆરીએ હું અયોધ્યામાં ભગવાન રામના ચરણોમાં હતો. ત્યાં મને ભગવાન રામલલાની મૂર્તિના અભિષેકની ઐતિહાસિક ઘટનામાં ભાગ લેવાનું સૌભાગ્ય મળ્યું. તે પછી, 14 ફેબ્રુઆરી (વસંત પંચમી) ના રોજ, મને અબુધાબીમાં ખાદી દેશોના પ્રથમ હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કરવાની તક મળી. માત્ર 2-3 દિવસ પહેલા જ મને ઉત્તર પ્રદેશના સંભલમાં કલ્કિ ધામનો શિલાન્યાસ કરવાનો મોકો પણ મળ્યો. હવે આજે મને અહીં તરભના આ ભવ્ય, દિવ્ય મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા પછી પૂજા કરવાનો લહાવો મળ્યો છે. ભારતની વિકાસયાત્રામાં આ એક અદ્ભુત સમયગાળો છે.
તેમણે વધુમાં કહ્યું કે આ એવો સમય છે જ્યારે ભગવાનનું કામ હોય કે દેશનું કામ, બંને ઝડપથી થઈ રહ્યા છે. ભગવાનની સેવા પણ થઈ રહી છે અને દેશની સેવા પણ થઈ રહી છે. આજે હું આ પવિત્ર ધરતી પર એક દૈવી ઊર્જા અનુભવું છું. આ ઉર્જા આપણને હજારો વર્ષોથી ચાલતી આધ્યાત્મિક ચેતના સાથે જોડે છે, જે ભગવાન કૃષ્ણ અને મહાદેવ સાથે પણ સંબંધિત છે.
પીએમ મોદીએ કહ્યું કે સેંકડો વર્ષ જૂનું આ મંદિર આજે 21મી સદીની ભવ્યતા અને પ્રાચીન દિવ્યતા સાથે બનાવવામાં આવ્યું છે. આ મંદિર પણ સેંકડો કારીગરો અને મજૂરોની વર્ષોની અથાક મહેનતનું પરિણામ છે. આપણા મંદિરો માત્ર મંદિરો કે પૂજા સ્થાનો નથી, પરંતુ તે આપણી હજારો વર્ષ જૂની સંસ્કૃતિ અને પરંપરાના પ્રતિક છે. આપણા દેશમાં મંદિરો દેશ અને સમાજને અજ્ઞાનમાંથી જ્ઞાન તરફ લઈ જવાનું માધ્યમ રહ્યા છે.
તેમણે કહ્યું કે આજે દેશ સબકા સાથ, સબકા વિકાસના મંત્ર પર ચાલી રહ્યો છે. આ લાગણી આપણા દેશમાં કેવી રીતે સ્થાયી થઈ છે, તે આપણે વાલીનાથ ધામમાં પણ જોઈ શકીએ છીએ. મોદીની ગેરંટીનો ઉદ્દેશ્ય સમાજના છેલ્લા સ્થાને ઉભેલા દેશવાસીઓના જીવનમાં પણ પરિવર્તન લાવવાનો છે. આથી દેશમાં એક તરફ મંદિરો બની રહ્યા છે અને કરોડો ગરીબો માટે કાયમી મકાનો પણ બની રહ્યા છે.
પીએમ મહેસાણા બાદ સાંજે દક્ષિણ ગુજરાતમાં નવસારી જશે ત્યાં 17,500 કરોડના વિકાસ કામોના શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે