આજે વસંત પંચમી છે,મહા મહિનાની શુક્લ પાંચમના દિવસે આજે વસંત પંચમી ઊજવવામાં આવે છે, આજે દરેક પ્રકારના શુભ કાર્યો કરી શકાય છે.
ધાર્મિક માન્યતા અનુસાર આ દિવસે સરસ્વતી માતા પ્રગટ થયા હતા. આજના દિવસે શ્રી સરસ્વતી માતાની પૂજા કરવાથી બુદ્ધિ, વિવેક, જ્ઞાન અને તમામ કામમાં સફળતા પ્રાપ્ત થાય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ વર્ષે વસંત પંચમીના દિવસે ત્રણ શુભ યોગ બન્યા છે.

વસંત પંચમીના આજના દિવસે સવારે વહેલા ઉઠી સ્નાન કરીને પીળા વસ્ત્રો પહેરો.
આ દિવસે દેવી સરસ્વતીની પૂજા કરવી જોઈએ.
માતા સરસ્વતીની મૂર્તિને પીળા કપડા પર સ્થાપિત કરો.
પૂજામાં રોલી, મૌલી, હળદર, કેસર, અક્ષત, પીળા કે સફેદ ફૂલ, પીળી મીઠાઈ વગેરે વસ્તુઓનો ઉપયોગ કરો. આ પછી, દેવી સરસ્વતીની પૂજા કરો અને પૂજા સ્થાન પર સંગીતનાં સાધનો અને પુસ્તકો રાખો.
આપણા બાળકોને પણ વસંત પંચમીનું મહત્વ સમજાવો,પૂજામાં બેસાડો જેથી આગામી પેઢીમાં વારસો જળવાઈ રહે.

રેવતી, અશ્વિની નક્ષત્ર અને શુભ યોગ સહિત અને દુર્લભ સંયોગનું નિર્માણ થઈ રહ્યું છે. આજના દિવસે શુભ સંયોગનું નિર્માણ થયું છે.

આ વખતે વસંત પંચમી 2024ના જે શુભ યોગ રચાયા છે તે જાણીએ.

રવિ યોગ: આ વર્ષે વસંત પંચમીની શરૂઆત રવિ યોગથી થઇ રહી છે. આ દિવસે રવિ યોગ સવારે 10 વાગ્યાને 43 મિનિટથી લઇ 15 ફેબ્રુઆરીની સવારે 7 વાગ્યા સુધી રહેશે.

રેવતી નક્ષત્ર: સાથે જ આ વર્ષે વસંત પંચમી રેવતી નક્ષત્રમાં ઉજવવામાં આવશે જેને ખુબ શુભ માનવામાં આવે છે. રેવતી નક્ષત્ર 13 ફેબ્રુઆરી બપોરે 12 વાગ્યાથી 14 ફેબ્રુઆરીની સવારે 10 વાગ્યાને 43 મિનિટ સુધી રહેશે.

અશ્વિની નક્ષત્ર- આ દિવસે અશ્વિની નક્ષત્ર સવારે 10.43 કલાકે શરૂ થશે અને 15મી ફેબ્રુઆરીએ સવારે 9.26 કલાકે સમાપ્ત થશે.

હિંદુ કેલેન્ડર મુજબ, વસંત પંચમી માહ શુક્લ પંચમીની તારીખે ઉજવવામાં આવે છે. વસંત પંચમી 13 ફેબ્રુઆરીએ બપોરે 02.41 કલાકે શરૂ થઇ ગઈ છે. જે 14મી ફેબ્રુઆરીના રોજ બપોરે 12.09 વાગ્યા સુધી રહેશે. આ દિવસે સરસ્વતી પૂજાનો શુભ સમય સવારે 7 થી 12.41 સુધીનો રહેશે. સરસ્વતી પૂજા માટે માત્ર સાડા પાંચ કલાકનો સમય રહેશે.

ઋતુઓની રાણી વસંતના આગમનની સાથે જ જાણે કે ધરતી ખીલી ઉઠે છે. પ્રકૃતિના આ મહોત્સવ સાથે જ્ઞાન અને વિદ્યાની દેવી મા શારદાનો સંગમ છે. વસંત પંચમીના પર્વને ઉજવવા પાછળનું કારણ વસંત પંચમીના દિવસે દેવી સરસ્વતીની જ્યંતિ હોવાનું પણ માનવામાં આવે છે.
કહેવાય છે કે દેવી સરસ્વતી વસંત પંચમીના દિવસે બ્રહ્માના માનસથી અવતરીત થયા હતા.
વસંતના ફૂલ, ચંદ્રમા અને તુષાર જેવો તેમનો રંગ હતો. 
આજના દિવસ માટે પ્રાચીન ગ્રંથોમાં અનેક ઘટનાઓનો ઉલ્લેખ છે.