ભારતીયો હવે પોતાના દેશની નાગરિકતા છોડી અન્ય દેશની નાગરિકતા અપનાવી રહયા છે આ સંખ્યામાં ઉત્તરોતર વધારો થઈ રહ્યો છે તેના અનેક કારણો છે અને પહેલા કરતા વર્તમાન સમયમાં વિદેશ જવાની જાણે કે હોડ લાગી છે.

ભારતીયોમાં કૅનેડા, ઑસ્ટ્રેલિયા, યુકે ઉપરાંત ન્યૂઝીલૅન્ડ, જર્મની, ઇટાલી, નેધરલૅન્ડ્સ , સ્વીડન અને સિંગાપુર પસંદગીના દેશ રહયા છે.

વિદેશમાં નોકરીની વધુ સારી તકો હોય યુવાનોનો ઝોક વિદેશ તરફ વધ્યો છે, ઉપરાંત વિદેશ ભણવા જતા ભારતીય વિદ્યાર્થીઓને પાર્ટ ટાઈમ જોબમાં વિદેશમાં ભારત કરતાં સારા પગારની નોકરી મળે છે.
એટલુંજ નહિ પણ આજે દરેકને હાઈ ફાઈ લાઈફ સ્ટાઇલ પસંદ છે તે જોતા જીવન ધોરણનું સ્તર એ વિદેશી નાગરિકતા સ્વીકારવા માટેનાં સૌથી મહત્વનાં કારણો પૈકીનું એક માનવામાં આવે છે ઉપરાંત આજની જનરેશન સરકારને ચૂકવાતા ટૅક્સની સામે વધુ સારી સુવિધાઓ ઇચ્છે છે.
જેમકે મહિલાઓની સુરક્ષા, બાળકો માટે સારું શિક્ષણ અને ઊંચું જીવનધોરણ વગેરેને કારણે ભારતીયો વિદેશ તરફ આકર્ષાય છે, ઘણા પ્રદૂષણને એક મોટું પરિબળ માને છે અને શુદ્ધ પર્યાવરણ માટે વિદેશ તરફ આકર્ષાય છે આ સિવાય ભારતમાં અનાજ,ફ્રૂટ,ઘી,દૂધ,ખાદ્યતેલ સહિત ખાદ્ય સામગ્રી કે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓમાં ભેળસેળનું ઊંચું પ્રમાણ છે જેના કારણે પૂરતા પૈસા ખર્ચીને પણ શુદ્ધ ખાવા પીવાનું મળતું નથી પરિણામે ગંભીર બીમારીઓ થાય છે પણ વિદેશમાં કડક કાયદા હોય આવા ભેળસેળિયા તત્વો ત્યાં આવું કરી શકતા નથી તેથી ઊંચ કવાલીટીનું ભેળસેળ વગરની જીવન જરૂરીયાતની ચીજ વસ્તુઓ મળે છે તેથી સ્વાસ્થ સંબંધી બાબતો પણ વિદેશ તરફ જવા માટેનું કારણ છે.
આ સિવાય પાસપોર્ટની મજબૂતી પણ ઘણા ભારતીયો માટે વિદેશની નાગરિકતા સ્વીકારવા માટે એક કારણ બની રહ્યું છે, જેમ કે હેન્લી પાસપોર્ટ ઇન્ડેક્સ 2022 પ્રમાણે સુવિધાઓ કે મજબૂતીની સરખામણી કરતાં 199 દેશોના પાસપૉર્ટમાંથી ભારતીય પાસપોર્ટનો ક્રમ વિશ્વમાં 87મો આવે છે બીજું કે ભારતીય પાસપોર્ટ પર 60 દેશમાં વિઝા-ફ્રી મુસાફરી કરી શકાય છે અને 60 દેશમાં વિઝા ઑન અરાઇવલની સુવિધા મળે છે જ્યારે વિદેશી પાસપોર્ટ તેનાથી વધુ સુવિધાયુક્ત મુસાફરીની સુવિધાઓ પણ ભારતીયો માટે વિદેશની નાગરિકતા સ્વીકારવા માટેનું કારણ છે.

વર્ષ 2021ની વાત કરવામાં આવેતો આ વર્ષે જ ભારતીય નાગરિકતા છોડનારા એક લાખ 63 હજાર ભારતીયોમાંથી 78000 ભારતીયોએ અમેરિકાની નાગરિકતા લીધી હતી.
જ્યારે 23,500 ભારતીયોએ ઑસ્ટ્રેલિયાની તો 21 હજાર લોકોએ કૅનેડાની નાગરિકતા લીધી હતી.
ભારતીયો માટે યુકે પસંદગીના ટોચના પાંચ દેશોમાં સામેલ છે અને 14,500 ભારતીયોએ યુકેનો પાસપોર્ટ મેળવી ત્યાંના નાગરિક બની ગયા છે.
આ સિવાય 6,000 ભારતીયોએ ઇટાલીની, 2,600 જેટલા ભારતીયોએ ન્યૂઝીલેન્ડની અને 2,500થી વધુ ભારતીયોએ સિંગાપુરની નાગરિકતા સ્વીકારી લીધી છે.
યુરોપમાં ઇટાલી ઉપરાંત જર્મનીની નાગરિકતા લગભગ 2,400 લોકોએ લીધી તો 2,100થી વધુ લોકોએ નેધરલૅન્ડ્સની અને 1,800થી વધુ લોકોએ સ્વીડનની નાગરિકતા લીધી.
સ્પેન અને પોર્ટુગલની નાગરિકતા લેનારા ભારતીયો પણ છે, ઉપરાંત 1,600 ભારતીયોએ સ્પેનની અને પોર્ટુગલની નાગરિકતા 700 ભારતીય રહ્યા.
અત્રે ઉલ્લેખનીય છે કે ભારત કોઈ પણ નાગરિકને બે દેશનું નાગરિકત્વ ધરાવવાનો અધિકાર આપતું નથી પરિણામે અન્ય દેશની નાગરિકતા સ્વીકારતાં ભારતીયોએ ભારતનું નાગરિકત્વ ફરજીયાત છોડવું પડે છે.
આમ,વિદેશ તરફની દોડ માટે રોજગારી સિવાય અનેક અન્ય કારણો છે.