આગામી લોકસભા ચૂંટણી 2024 જીતવા ભાજપે તૈયારીઓ શરૂ કરી દીધી છે અને આ વખતે ભારતીય જનતા પાર્ટી ખાસ કરીને મુસ્લિમ મહિલાઓનો વધુને વધુ ભાજપ તરફ ઝોક વધે તે માટેના પ્રયાસો શરૂ કરાયા છે અને તે અંતર્ગત ભાજપના લઘુમતી મોરચા દ્વારા આગામી તા.બીજી જાન્યુઆરીથી ઉત્તર પ્રદેશના તમામ સંસદીય મતવિસ્તારોમાં ‘થેન્ક્યુ મોદી ભાઈજાન’ નામનું અભિયાન શરૂ કરનાર છે.
આ અભિયાન અંતર્ગત દરેક લોકસભા મતવિસ્તારમાં લઘુમતી મોરચા દ્વારા અનેકવિધ કાર્યક્રમો થશે જેમાં ઓછામાં ઓછી 1,000 મુસ્લિમ મહિલાઓને આ અભિયાનમાં જોડવા માટે લક્ષ્યાંક નક્કી કરાયો છે.
ભાજપના લઘુમતી મોરચા દ્વારા એક ટેગલાઈન પણ નક્કી કરાઇ છે જેમાં ‘ના દૂરી હૈ, ના ખાઇ, મોદી હમારા ભાઈ હૈ’ રાખવામાં આવી છે.
ઉત્તર પ્રદેશ બીજેપી લઘુમતી મોરચાના પ્રમુખ કુંવર બાસિત અલીએ આજે શનિવારે પીટીઆઈને જણાવ્યું હતું કે ‘થેન્ક્યુ મોદી ભાઈજાન’ કાર્યક્રમમાં મુસ્લિમ મહિલાઓને કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર દ્વારા મુસ્લિમ મહિલાઓના રક્ષણ અને તેમના હક્કો માટે કાયદા અને જે રીતે ભાજપે જનતા માટે કાર્યો કર્યા છે તે સમજાવવામાં આવશે અને ભાજપને કેમ મત આપવો જોઈએ તે વિશે જણાવવામાં આવશે, મુસ્લિમ મહિલાઓને ઉજ્જવલા યોજના, પ્રધાન મંત્રી આવાસ યોજના, આયુષ્માન ભારત યોજના, હજ ક્વોટામાં વધારો કરવા, મહિલાઓ માટે હજ પર જવાની જરૂરિયાતને દૂર કરવાની સાથે સાથે મુસ્લિમ મહિલાઓને મરહમ વ્યક્તિ સાથે જ હજ પર જવાની અનિવાર્યતા ખતમ કરવી, મુસ્લિમ બાળકોને શિષ્યવૃત્તિ સહિત સમુદાયને લાભ આપતી વિવિધ યોજનાઓ વિશે માહિતગાર કરવામાં આવશે.
બાસિત અલીએ કહ્યું કે આ અભિયાન 2 જાન્યુઆરીથી શરૂ થશે અને 20 જાન્યુઆરી સુધી ચાલશે. તેમણે કહ્યું કે તાજેતરમાં રાજ્યના તમામ જિલ્લાઓમાં મુસ્લિમ મહિલાઓએ જીલ્લા મેજિસ્ટ્રેટને મોદી સરકારની યોજનાઓને લઈને આભારનું મેમોરેન્ડમ આપ્યું હતું. હવે આ ટ્રેન્ડને આગળ લઈ દરેક લોકસભા મતવિસ્તારમાં ‘થેન્ક્યુ મોદી ભાઈજાન’ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.
અલીએ કહ્યું કે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મુસ્લિમ મહિલાઓને ઘરો મળ્યા છે અને મુસ્લિમોને તેમની વસ્તીની ટકાવારી કરતા વધુ આ યોજનાનો લાભ આપવામાં આવ્યો છે. રાજ્યમાં મહિલાઓની સુરક્ષામાં સુધારો થયો છે અને વિવિધ યોજનાઓમાં મહિલાઓની ભાગીદારી વધી છે. તેમણે કહ્યું કે અભિયાનને ‘શુક્રિયા મોદી ભાઈજાન’ નામ આપવાનું એક મોટું કારણ એ છે કે મોદીએ વિવિધ યોજનાઓમાં મુસ્લિમ મહિલાઓને પ્રાથમિકતા આપીને ભાઈ-બહેનનો સંબંધ સ્થાપિત કર્યો છે.
આમ,હવે મુસ્લિમ મતદારોને આકર્ષવા માટે લઘુમતી મોરચો તા.2 જાન્યુઆરીથી અભિયાન ચલાવશે.