કાશ્મીરમાં રાજૌરી અને પુંછ જિલ્લામાં આતંકી હુમલામાં ભારતીય સેનાના 5 જવાન શહીદ અને 2 જવાન ઘાયલ બાદ આતંકીઓને શોધવા ઓપરેશન સધન બનાવી દેવાયું છે અને મોબાઈલ ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે.
હુમલા બાદ આતંકીઓએ સોશિયલ મીડિયા પર હુમલાની જગ્યાની તસવીરો પણ જાહેર કરી હતી, જેમાં તેઓ અમેરિકન બનાવટની M4 કાર્બાઈન રાઈફલ્સનો ઉપયોગ કરતા દેખાઈ રહ્યા છે
પીપલ્સ એન્ટી ફાસીસ્ટ ફ્રન્ટ (PAFF) એ આ હુમલાની જવાબદારી લીધી છે. સેનાએ વિસ્તારની હવાઈ દેખરેખની વચ્ચે, ખાસ કરીને પૂંચ જિલ્લાના રાજૌરી સેક્ટરના ડેરા કી ગલીના જંગલ વિસ્તારમાં સર્ચ ઓપરેશન તીવ્ર બનાવ્યું છે.
PAFF સંગઠન નિર્દોષ નાગરિકોની હત્યા, કેટલાક સરકારી અધિકારીઓ, ભારતીય સુરક્ષા દળો પર હુમલો કરવા, આતંકવાદી ભરતી માટે યુવાનોને કટ્ટરપંથી બનાવવા અને બંદૂકો, દારૂગોળો અને વિસ્ફોટકોને હેન્ડલ કરવામાં તાલીમ આપવા માટે જવાબદાર છે.
સમગ્ર ગાઢ જંગલ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ રહ્યું હતું. સાંજે સેનાએ જંગલમાં ચારથી છ રાઉન્ડ ગોળીબાર કર્યો જેથી જો આતંકવાદીઓ ક્યાંક છુપાયા હોય તો તેઓ જવાબી કાર્યવાહી કરી શકે. સેના દ્વારા ડેરા ગલી, સાવની ગલી અને આસપાસના વિસ્તારોમાંથી 20 શંકાસ્પદ લોકોની અટકાયત કરવામાં આવી છે. તેમની પૂછપરછ ચાલુ છે.