અયોધ્યામાં ભગવાન શ્રીરામના મંદિરના નામે કેટલાક લોકો પેમ્ફલેટ છપાવીને લોકો પાસેથી દાન માંગવાનું શરૂ કરી છેતરપિંડી કરી રહયા હોવાનું સામે આવ્યું છે.
વિશ્વ હિન્દુ પરિષદ (VHP)એ કહ્યું છે કે રામ મંદિરના નિર્માણના નામે કોઈ દાન લેવામાં આવી રહ્યું નથી.
આ એક સંપૂર્ણ છેતરપિંડી છે અને લોકોએ તેનાથી સાવધ રહેવું જોઈએ. જો કોઈ વ્યક્તિ રામ મંદિર નિર્માણના નામે દાન લેતો હોય તો તેની જાણ પોલીસને કરવા અપીલ કરી છે.
બજરંગ દળના કાર્યકરો આ મુદ્દો VHP નેતાઓના ધ્યાન પર લાવતા સંગઠને તેના પર જાહેર ખુલાસો કરી આવા લોકોને દાન નહિ આપવા અપીલ કરી છે.

આ મામલે લોકોને અપીલ કરતા વિશ્વ હિન્દુ પરિષદના અગ્રણી મિલિંદ પરાંડેએ આજે શુક્રવારે એક પ્રેસ કોંફરન્સ યોજી હતી અને કહ્યું કે અયોધ્યામાં શ્રીરામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ માટે કોઈ અલગ સમિતિની રચના કરવામાં આવી નથી અને પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ માટે ભંડોળ એકત્ર કરવાની જવાબદારી પણ કોઈ સમિતિને આપવામાં આવી નથી ત્યારે આવા ફ્રોડ કરતા તત્વોથી સાવધાન રહેવા લોકોને જણાવી તેમણે કહ્યું છે કે સમાજે આવી કોઈપણ છેતરપિંડી અંગે સતર્ક રહેવું જોઈએ અને આવી કોઈ વ્યક્તિને આર્થિક વ્યવહાર નહિ કરવા અને પ્રભુ શ્રી રામ મંદિર માટે ગેરકાયદે રીતે ફાળો ઉઘરાવતા આવા તત્વો વિરુદ્ધ પોલીસને જાણ કરવા અપીલ કરી છે.