મથુરામાં બહુ ચર્ચિત શ્રી કૃષ્ણ જન્મભૂમિની બાજુમાં આવેલ શાહી ઇદગાહ મસ્જિદ કેસ પ્રકરણમાં હિંદુ પક્ષની અરજી માન્ય રાખી અલ્હાબાદ હાઇકોર્ટે સંકુલનો સર્વે કરવાનો નિર્ણય કર્યો છે.
હાઈકોર્ટે પોતાના નિર્ણયમાં વિવાદિત જગ્યાના સર્વેનો આદેશ આપ્યો છે. વિવાદિત જમીનનો સર્વે એડવોકેટ કમિશનર મારફત કરાવવાની માંગણી પણ કોર્ટે મંજૂર કરી છે. સર્વે માટે એડવોકેટ કમિશનરની નિમણૂક કરવામાં આવશે.સર્વેમાં કેટલા લોકો ભાગ લેશે, ક્યારે શરૂ થશે અને કયા વિસ્તારમાં સર્વે થશે તે બાબત અંગે આગામી તા.18 ડિસેમ્બરે નક્કી થશે.
હિન્દુ પક્ષની અરજી પર હાઈકોર્ટે શાહી ઈદગાહ સંકુલના ASI સર્વે અંગે પોતાનો ચુકાદો આપ્યો છે. અગાઉ વારાણસીમાં જ્ઞાનવાપી સંકુલનો સર્વે પણ એડવોકેટ કમિશનરની દેખરેખ હેઠળ કરવામાં આવ્યો હતો. શાહી ઇદગાહ કેસમાં પણ વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી થવી જોઇએ તેવી હિન્દુ પક્ષ તરફથી માંગ કરવામાં આવી છે. આ ઉપરાંત શાહી ઈદગાહમાં તે તથ્યોની પણ તપાસ કરવામાં આવશે જેમાં હિન્દુ પક્ષે મસ્જિદમાં ઘણા હિન્દુ પ્રતીક હોવાનો અને મસ્જિદ બનાવવા માટે મંદિર તોડી પાડવાનો દાવો કર્યો છે.
દાવો કરવામાં આવે છે કે 1669માં ઔરંગઝેબે હિંદુ મંદિરોને તોડી પાડવાનો આદેશ આપ્યો ત્યારે અહીં હિન્દુ મંદિરને તોડીને શાહી ઇદગાહ મસ્જિદ બનાવવામાં આવી હતી અને જ્ઞાનવાપી જેવીજ હકીકતો અહીં છે, તે મામલે મથુરામાં એડવોકેટ કમિશનરના સર્વે બાદ હકીકત બહાર આવશે