શ્રીલંકાને માત્ર 50 રનમાં ઓલઆઉટ , ભારતે માત્ર 6.1 ઓવરમાં ટાર્ગેટ હાંસલ કરી જીત મેળવી, સિરાજનો તરખાટ, 21 રનમાં ઝડપી 6 વિકેટ
મેન ઓફ ધ મેચ સિરાજ, મેન ઓફ ધ સિરીઝ કુલદીપ યાદવ
એશિયા કપ 2023 ની ફાઇનલમાં ભારતે શ્રીલંકાને 10 વિકેટથી હરાવી હતી. ટીમ ઇન્ડિયાએ આ વિજય સાથે 8 મી વખત એશિયા કપનો ખિતાબ મેળવ્યો. ટોસ ગુમાવ્યા બાદ ભારતે પ્રથમ બોલિંગ કરી હતી. આ દરમિયાન, સિરાજના કહેર સામે શ્રીલંકાની ટીમ 50 રનના સ્કોરે જ ઓલાઉટ થઇ ગયા હતા. ભારતે કોઈ પણ નુકસાન વિના 6.1 ઓવરમાં લક્ષ્ય હાંસલ કર્યો હતો.
મોહમ્મદ સિરાજે ભારતની જીતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. સિરાજે 7 ઓવરમાં 21 રન માટે 6 વિકેટ લીધી હતી. તેણે 1 મેઇડન પણ નાખી હતી. સિરાજની ઘાતક બોલિંગ સામે શ્રીલંકાના બેટ્સમેનો રિતસર ઘૂંટણીયે પડ્યા હતા.
કોલંબોમાં એશિયા કપના સુપર-4 રાઉન્ડની તમામ મેચોની જેમ ફાઇનલમાં પણ વરસાદનો ખતરો હતો, પરંતુ શરૂઆતની 15-20 મિનિટના ઝરમર ઝરમર વરસાદ પછી ભારતીય ઝડપી બોલરોનો તરખાટ જોવા મળ્યો હતો. શરૂઆત જસપ્રિત બુમરાહે કરી હતી અને અંત હાર્દિક પંડ્યા દ્વારા કરવામાં આવ્યો હતો, પરંતુ મેચનો હીરો મોહમ્મદ સિરાજ રહ્યો હતો, જેણે તેની કારકિર્દીની સૌથી ઘાતક બોલિંગ કરી હતી 6 વિકેટ લઈ એકલા હાથે શ્રીલંકાને ધ્વસ્ત કર્યું હતું.
સિરાજ બાદ હાર્દિક પંડ્યાએ પણ લંકાના ખેલાડીઓને પરચો દેખાડ્યો હતો અને તેણે પણ 3 વિકેટ ઝડપી હતી. બૂમરાહને એક વિકેટ મળી હતી. આ રીતે 3 બોલરે જ શ્રીલંકાને ઓલઆઉટ કરાવી દીધી હતી.
શ્રીલંકાના કોઈપણ બેટ્સમેન 20ને પાર ન પહોંચ્યા
શ્રીલંકાના બેટ્સમેનો ભારતીય ઝડપી બોલરો સામે સંઘર્ષ કરતા જોવા મળ્યા હતા. ટીમનો કોઈ બેટ્સમેન 20નો આંકડો પાર કરી શક્યો નહોતો. કુસલ મેન્ડિસે સૌથી વધુ 17 રનની ઇનિંગ રમી હતી જ્યારે દુષણ હેમંતે 13 રન બનાવ્યા હતા.
સિરાજે ઈનામની રકમ ગ્રાઉન્ડ સ્ટાફને ડોનેટ કરી
મોહમ્મદ સિરાજને પ્લેયર ઓફ ધ ફાઈનલ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો, આ માટે તેને 5 હજાર ડોલર (લગભગ 4 લાખ રૂપિયા)ની ઈનામી રકમ મળી હતી. સિરાજે આ રકમ ગ્રાઉન્ડ સ્ટાફ ટીમને આપી હતી. એશિયન ક્રિકેટ કાઉન્સિલે પણ ગ્રાઉન્ડ સ્ટાફને 50 હજાર ડોલર (લગભગ 40 લાખ રૂપિયા) આપ્યા હતા. એશિયા કપની મોટાભાગની મેચ વરસાદથી પ્રભાવિત થઈ હતી અને ગ્રાઉન્ડ સ્ટાફે સખત મહેનત કરી હતી.
ટીમ ઈન્ડિયાની રન ચેઝમાં વન-ડેમાં સૌથી ઝડપી જીત
મેચના અંતે બોલ બાકી હોવાની રીતે ભારતની આ સૌથી મોટી જીત છે. ટીમે 263 બોલ બાકી રહેતા જીત મેળવી હતી. આ પહેલા ટીમ ઈન્ડિયાએ 2001માં કેન્યાને 231 બોલ બાકી રાખીને હરાવ્યું હતું. ફાઈનલમાં જીત સાથે જ ભારતનો સૌથી ઓછા બોલ રમીને લક્ષ્યને ચેઝ કરવાનો રેકોર્ડ પણ સુધાર્યો છે. ટીમ ઈન્ડિયાએ બેટિંગમાં માત્ર 37 બોલ રમીને મેચ જીતી લીધી હતી. અગાઉનો રેકોર્ડ 69 બોલનો હતો. આટલા બોલ રમીને ભારતે 2001માં કેન્યાને હરાવ્યું હતું.
બાંગ્લાદેશનો રેકોર્ડ શ્રીલંકાએ તોડ્યો
ભારત વિરૂદ્ધ ODIમાં કોઈપણ ટીમનો આ સૌથી નાનો સ્કોર છે. આ પહેલા બાંગ્લાદેશનો ભારત સામે વનડેમાં સૌથી ઓછો સ્કોર હતો. બાંગ્લાદેશની ટીમ 2014માં 58 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ODIમાં સૌથી ઓછો ઓવરઓલ સ્કોરનો રેકોર્ડ ઝિમ્બાબ્વેના નામે છે. ઝિમ્બાબ્વેની ટીમ 2004માં શ્રીલંકા સામે 35 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.