- બ્રિટન પોલીસના મતે કેન્સરને પગલે અવતાર ખાંડા મોતને ભેટ્યો
- ભારતીય હાઇકમિશન પર હુમલાનો હતો આરોપ
- ખાલિસ્તાની લિબરેશન ફોર્સનો ચીફ હતો અવતાર ખાંડા
લંડનઃ બ્રિટનમાં રહેતા ખાલિસ્તાન લિબરેશન ફોર્સના ચીફ અવતાર સિંહ ખાંડાનું અવસાન થયું છે. અગાઉ એવી આશંકા હતી કે તેને ઝેર આપવામાં આવ્યું હતું. હવે યુકેના મેડિકલ રેકોર્ડ્સે અવતારનું મોત બ્લડ કેન્સરને કારણે થયું હોવાની પુષ્ટિ કરી છે. ભારતીય ગુપ્તચર સૂત્રોએ પણ અવતાર સિંહના મૃત્યુની પુષ્ટિ કરી છે. અવતાર સિંહે જ લંડનમાં ભારતીય હાઈ કમિશન પર હુમલો કર્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે તેને યુકેના બર્મિંગહામ શહેરની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
અમૃતપાલ સિંહને અવતારે જ જેલમાં તૈયાર કર્યો હતો
સૂત્રોએ જણાવ્યું કે અવતાર સિંહના શરીરમાં ઝેર પણ મળી આવ્યું હતું. અવતાર સિંહે જેલમાં કેદ ખાલિસ્તાની અમૃતપાલ સિંહને તૈયાર કર્યો હોવાનું કહેવાય છે અને બાદમાં તેને વારિસ પંજાબ દેના નેતા તરીકે પંજાબ મોકલ્યો હતો. વારિસ પંજાબ દેની રચના દીપ સિદ્ધુએ કરી હતી. બ્રિટનમાં ભારતીય હાઈ કમિશનનો ધ્વજ ઉતારવા બદલ લંડન પોલીસે અવતાર સિંહની ધરપકડ પણ કરી હતી. ઢાંડાએ શીખ યુવાનોને બોમ્બ બનાવવા અને IEDનો ઉપયોગ કરવાની તાલીમ આપી હતી.
અવતાર સિંહ બબ્બર ખાલસા માટે પણ કામ કરતો હતો
અવતાર સિંહ બ્લડ કેન્સર સામે લડી રહ્યો હતો. અવતાર સિંહની મદદથી અમૃતપાલ સતત 37 દિવસ સુધી છુપાયો હતો. ભારતીય તપાસ એજન્સી NIAએ ખાંડા અને અન્ય ત્રણ અલગતાવાદીઓને બ્રિટનમાં ભારતીય હાઈ કમિશનની સામે વિરોધનો મુખ્ય સૂત્રધાર ગણાવ્યો હતો. અવતાર સિંહ ખાંડા KLF આતંકવાદી કુલવંત સિંહનો પુત્ર હતો. વર્ષ 2007માં તે અભ્યાસના નામે બ્રિટન ગયો હતો અને ત્યાં આશરો લીધો હતો.
વર્ષ 2020 માં, પાકિસ્તાનમાં તત્કાલીન KLF ચીફ હરમીત સિંહના મૃત્યુ પછી, ખાંડા KLFનું નેતૃત્વ કરી રહ્યા હતા. તેમનું કોડ નેમ ‘રણજોધ સિંહ’ હતું. અવતાર સિંહનો શિષ્ય અમૃતપાલ સિંહ હવે તેના 8 સહયોગીઓ સાથે આસામની જેલમાં બંધ છે. NIA અમૃતપાલ સિંહની તપાસ કરી રહી છે. ખાંડાએ બબ્બર ખાલસા માટે પણ કામ કર્યું હતું. આ સંગઠન પર વિશ્વભરમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. અવતાર સિંહનો જન્મ પંજાબના મોગા જિલ્લામાં થયો હતો.