અમદાવાદનો રહેવાસી ૪૦ વર્ષીય શેહઝાદખાન પઠાણ કોલ સેન્ટરમાંથી ઓટોમેટેડ રોબોકોલ્સથી અમેરિકનોને ફોન કરતો હતો
અમેરિકન કોર્ટનો ચુકાદો
અમેરિકાની કોર્ટે ઓવરસિઝ રોબોકોલ કૌભાંડમાં સંડોવણી બદલ ભારતીય નાગરિકને ૨૨ વર્ષની જેલની સજા ફટકારી છે. ગુજરાતના અમદાવાદના રહેવાસી ૪૦ વર્ષીય શેહઝાદખાન પઠાણને ૪૦૦૦થી વધુ અમેરિકનો સાથે ૧ કરોડ ડોલરની છેતરપિંડી આચરવા બદલ આ સજા ફટકારવામાં આવી છે.
પઠાણ અમદાવાદમાં કોલ સેન્ટર ચલાવતો હતો. આ કોલ સેન્ટરમાંથી ઓટોમેટેડ રોબોકોલ્સ દ્વારા અમેરિકામાં ફોન કરી ત્યાંના નાગરિકો સાથે છેતરપિંડી આચરવામાં આવતી હતી.
અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસે એક નિવેદનમાં જણાવ્યું છે કે ફોન પર સંપર્ક સાધ્યા પછી પઠાણ અને તેના સાથીઓ અમેરિકન નાગરિકોને રોકડ અને ઇલેક્ટ્રોનિક માધ્યમથી રકમ ટ્રાન્સફર કરવાની લાલચ આપી તેમને પોતાની જાળમાં ફસાવતા હતાં.
પઠાણ અને તેના સહયોગીઓ નાણા મોકલવા માટે પ્રલોભન આપનારી અનેક યોજનાઓ બતાવતા અને પોતાની ઓળખ કાયદો લાગુ કરનાર એજન્સીઓ, ફેડરલ ઇન્વેસ્ટિગેશમ બ્યુરો(એફબીઆઇ) અને ડ્રગ એન્ફોર્સમેન્ટ એડમિનિસ્ટ્રેશન(ડીઇએ) અને અન્ય સરકારી એજન્સીઓના પ્રતિનિધિઓ તરીકે આપતા હતાં. તેઓ પીડિતોને વિવિધ કાયદાકીય અને નાણાકીય પરિણામો ભોગવવાની ધમકી આપતા હતાં.
ઇસ્ટર્ન ડિસ્ટ્રિક્ટ ઓફ વર્જિનિયાના એક્ટિંગ યુએસ એટર્ની રાજ પારેખે જણાવ્યું હતું કે દોષિત આ અપરાધનો મુખ્ય માસ્ટરમાઇન્ડ છે અને તેને કોલ સેન્ટર દ્વારા ૪૦૦૦થી વધુ અમેરિકન નાગરિકો સાથે છેતરપિંડી કરવા બદલ ૨૨ વર્ષની સજા ફટકારવામાં આવે છે.
આ કેસના છ આરોપી પૈકી પઠાણ ચોથો આરોપી છે જેને કાવતરામાં સંડોવણી બદલ સજા આપવામાં આવી છે. આ જ કેસના અન્ય આરોપીઓ અમદાવાદના જ રહેવાસી ૪૧ વર્ષીય પ્રદીપસિંહ પરમાર અને ૩૮ વર્ષીય સુમેર પટેલને ૨૦ સપ્ટેમ્બરે સજા સંભળાવવામાં આવશે. આ બંને આરોપી મની કુરિયર્સ તરીકેનું કામ કરતા હતા.