ગાંધીનગર ખાતે મળેલી બોર્ડ મીટિંગમાં અચાનક જ સોઢીને દૂર કરવાનો ઠરાવ પાસ થયો
ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન એટલે કે જીસીએેમએમએફના એમડી આર.એસ. સોઢીને દૂર કરાયા છે. ફેડરેશનની બોર્ડ મિટિંગમાં આર.એસ.સોઢીની સેવા તત્કાળ અસરથી રદ્દ કરવાનો ઓર્ડર પાસ કરવામાં આવ્યો હતો અને તે અંગેની જાણ તેમને કરી પણ દેવામાં આવી હતી. આમ છેલ્લા ઘણાં સમયથી અમુલ ખાતેના સોઢી કાળનો અંત આવ્યો છે. સોઢીના સ્થાને વર્તમાન સી.ઓ.ઓ. જયેન મહેતાને એમડી તરીકેનો ચાર્જ સોંપાયો છે.
સોઢી છેલ્લા ચાર દાયકાથી ગુજરાત મિલ્ક ફેડરેશનના એમડી પદે હતા. અચાનક જ સોઢીને દૂર કરવા પાછળ અનેક તર્કવિતર્ક સામે આવી રહ્યા છે પરંતુ કોઇ સત્તાવાર નિવેદન બહાર આવ્યું નથી. માત્ર તેમને દૂર કરવાનો ઠરાવ સીધો જ બોર્ડ મિટિંગમાં પાસ કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે ગત વર્ષે જ સોઢીને એડવર્ટાઇઝિંગ એસોસિયેશન ઓફ ઇન્ડિયા દ્વારા તેમને બિઝનેસ લીડર ઓફ ધ યરનો એવોર્ડ આપવામાં આવ્યો હતો જ્યારે મહેતાને માર્કેટીયર ઓફ ધ યર-FMCG ફૂડ એવોર્ડ અપાયો હતો.
કેટલાક જૂથના લોકો સોઢીની કાર્યશૈલીથી નારાજ હતા અને હવે તેમની હકાલપટ્ટીથી સહકારી ક્ષેત્રે એક નવા જ વિવાદે જન્મ લીધો છે. GCMMFએ 16 દૂધ સંઘોનો બનેલી સૌથી મોટી ભારતની સૌથી મોટી ફૂડ માર્કેટીંગ સંસ્થા છે. ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશન લિમિટેડ કે, જે લોકપ્રિય બ્રાન્ડ ‘અમૂલ’ના નેજા હેઠળ દૂધ અને દૂધના ઉત્પાદનોનું વેચાણ કરે છે. આ તરફ જયેન મહેતા પાસે પણ અમુલ ખાતે કામ કરવાનો બહોળો અનુભવ છે અને તેઓ ત્રણ દાયકાથી પણ વધુ સમયથી અમુલ સાથે જોડાયેલા છે.