ઓસ્ટ્રેલિયાએ પણ હવે કેનેડા અને યુકેના પગલે ચાલીને તેની વિઝા નીતિ વધુ કડક બનાવતા ઇન્ડિયાથી ઓસ્ટ્રેલિયા જનારા વિદ્યાર્થીઓ માટે મુશ્કેલી ઉભી થઇ છે.
ડિસેમ્બર 2022 થી ડિસેમ્બર 2023 વચ્ચે ભારતીય વિદ્યાર્થીઓને આપવામાં આવતા વિઝાનો ડેટા બહાર આવ્યો તેમાં સામે આવ્યું છે કે ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ કરવા માંગતા ભારતીય વિદ્યાર્થીઓને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
ઓસ્ટ્રેલિયાએ તેની વિઝા નીતિ ઘણી કડક બનાવી છે,એવું કહેવામાં આવી રહ્યું છે કે તેનું કારણ તે વિદ્યાર્થીઓ છે જેઓ ત્યાં જઈને અભ્યાસના નામે પાર્ટ ટાઈમ જોબ કરે છે,એટલા માટે ઓસ્ટ્રેલિયાએ વાર્ષિક ઈમિગ્રેશન અડધુ કરી દીધું છે.
ભારતમાં ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ રાજદ્વારીએ આ નિર્ણય પર ચિંતા વ્યક્ત કરતા કહ્યું છે કે આ પ્રકારનું પગલું દ્વિપક્ષીય સંબંધોને નુકસાન પહોંચાડી શકે છે.
ઓસ્ટ્રેલિયાએ કેનેડા અને યુકેની જેમ તેની વિઝા નીતિ વધુ કડક બનાવી છે. કડક ધોરણો અને ચોક્કસ દેશોના વિદ્યાર્થીઓને વિઝા આપવાના કથિત ઇનકારને કારણે 2023 થી આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે.
ધ ગાર્ડિયનના અહેવાલ મુજબ, ડિસેમ્બર 2022 થી ડિસેમ્બર 2023 વચ્ચે ભારતીય વિદ્યાર્થીઓને આપવામાં આવતા વિઝામાં 48% ઘટાડો થયો છે. બ્રિટિશ અખબારે ઓસ્ટ્રેલિયન હોમ અફેર્સના તાજેતરના ડેટાને ટાંકીને જણાવ્યું છે કે નેપાળ અને પાકિસ્તાનના વિદ્યાર્થીઓને આપવામાં આવતા વિઝામાં 53% અને 55%નો ઘટાડો થયો છે.