19 વર્ષ પહેલા, 07 ઓક્ટોબર 2001ના દિવસે નરેન્દ્ર મોદી ગુજરાતના સીએમ બન્યા હતા
નમસ્કાર ગુજરાત ન્યૂઝ
આજે પીએમ મોદીએ સત્તાધીન થયાના 20મા વર્ષમાં પ્રવેશ કરી લીધા છે, આ ગાળામાં પડકારો તો અનેક આવ્યા પરંતુ મોદીએ તમામ મુશ્કેલીમાંથી હંમેશા રસ્તો શોધી કાઢ્યો છે. આજથી બરાબર 19 વર્ષ પહેલા, 07 ઓક્ટોબર 2001ના દિવસે નરેન્દ્ર મોદી ગુજરાતના સીએમ બન્યા હતા. સીએમથી સીધા પીએમ બનનારા દેશના પહેલા વ્યક્તિ એવા નરેન્દ્ર મોદી આ 19 વર્ષના ગાળામાં એક પણ દિવસ માટે સત્તાથી દૂર નથી રહ્યા.
2011ના ભૂકંપથી પડકારોની થઈ શરૂઆત
2001ના ગોઝારા ભૂકંપ બાદ સરકારની કામગીરી સામે સવાલો ઉભા થયા હતા ત્યારે મુશ્કેલીના સમયમાં મોદી ગુજરાતમાં સત્તા પર આવ્યા હતા, અને પહેલીવાર રાજકોટથી વિધાનસભા ચૂંટણી લડ્યા હતા. સત્તા પર આવતા જ તેમની સામે ભૂકંપમાંથી ગુજરાતને બેઠું કરવાનો પડકાર હતો, અને આજે કોરોનાથી માંદગીમાં સપડાયેલા અર્થતંત્રને દોડતું કરવાનો તેમની સામે પડકાર છે. જોકે, ‘આફતને અવસર’માં પલટવાની પોતાની ગજબની ક્ષમતાથી મોદીએ હંમેશા પોતાના ટીકાકારોને ખોટા પાડ્યા છે, અને વિરોધીઓને કાબૂમાં રાખ્યા છે.
આવતાની સાથે જ ગુજરાત ભાજપમાં થયો હતો બળવો
પીએમ મોદી જ્યારે ગુજરાતના સીએમ હતા ત્યારે ગુજરાતના જ ભાજપના કેટલાક મોટા નેતાઓ તેમની સામે પડ્યા હતા. મોદી સામે જાહેરમાં જ બળવો થયો હતો, અને તેમની નાવ હાલકડોલક થવા લાગી હતી. જોકે, મોદી તે સમયે પોતાનાથી પણ સિનિયર કેટલાક નેતાઓનો બળવો દબાવી દેવામાં સફળ રહ્યા હતા. ઘરમાંથી જ મળી રહેલો પડકાર સમાપ્ત થયા બાદ તેમણે વિપક્ષ પર પણ ઘોંસ બોલાવવાનું શરુ કર્યું, અને ગુજરાતમાંથી કોંગ્રેસને લગભગ નામશેષ કહી શકાય તેવી અવસ્થામાં લાવી દીધી.
પાકિસ્તાન પર એર સ્ટ્રાઈકએ બદલી ‘સરળ’ ભારતની છાપ
2019માં જ્યારે આતંકવાદીઓએ પુલવામામાં હુમલો કરી સીઆરપીએફના 40 જવાનોની હત્યા કરી ત્યારે સરકાર પર અનેક સવાલો ઉઠ્યા હતા. જોકે, બાલાકોટ પર એરસ્ટ્રાઈક કરી પીએમે વિરોધીઓને ચૂપ કરી દીધા હતા. તેવી જ રીતે ઉરી સર્જિકલ સ્ટ્રાઈક દ્વારા પણ પીએમે 2019ની લોકસભા ચૂંટણીમાં જોરદાર ફાયદો લીધો હતો. તાજો દાખલો જ લઈએ તો, આખી દુનિયા કોરોનાના ભયથી ફફડી રહી હતી, ત્યારે મોદીએ દેશવાસીઓને થાળી-ઘંટડી વગાડવા અને દિવા કરવાનું કહી અલગ જ માહોલ ઉભો કર્યો હતો.