રાજ્યના અમદાવાદ, ગાંધીનગર અને વડોદરા સહિતના શહેરોમાં વિદેશમાં નોકરીની લાલચ આપી લોકો સાથે લાખ્ખોની ઠગાઈ આચરવાના બનાવો સતત વધી રહ્યા છે અને બોગસ ડોક્યુમેન્ટ બનાવીને વિઝા આપવાની લાલચ આપતું આખું રેકેટ CID ક્રાઈમની તપાસમાં ખુલતા જવાબદારોમાં ભારે દોડધામ મચી છે.  CID ક્રાઈમે 17  ટીમો બનાવી  અમદાવાદ, ગાંધીનગર અને વડોદરા સહિતના શહેરોમાં આવેલી વિઝા કન્સલ્ટન્સીની ઓફિસોમાં દરોડા પાડીને તપાસ કરતા 30 દિવસના સર્વેલન્સ બાદ કેટલાક મહત્વના પુરાવા હાથ લાગ્યા છે જેમાં 182 પાસપોર્ટની કોપી અને બોગસ સર્ટિફિકેટ જપ્ત કરવામાં આવ્યા હોવાની વાત સામે આવી છે.

રેડ માટે 1 SP, 4 DYSP ની અધ્યક્ષતામાં ટીમ બનેલી છે.
વડોદરાના ગોરવા રોડ સ્થિત સ્મિત કોમ્પ્લેક્ષમાં આવેલ માઈગ્રેશન ઓવરસિઝમાં 15 થી વધુ અધિકારીઓની ટીમે તપાસ હાથ ધરી હતી ઉપરાંત CID ક્રાઇમની સાથે ભરૂચ  અને પંચમહાલ પોલીસ પણ જોડાઇ હતી.  
વિદ્યાર્થીઓ સહિત અન્ય લોકોને વર્ક પરમીટ પર મોકલાવના પ્રકરણમાં ગેરરીતિની મામલે તપાસ થઈ હતી અને ઓફિસના તમામ કર્મચારીઓને પણ ઓફિસ બહાર જવા દેવાયા ન હતા.

CID ક્રાઈમના એડિશનલ ડીજીપીના સીધા માર્ગદર્શન હેઠળ 50થી વધુ પોલીસ કર્મચારીઓ પણ જોડાયા છે.

સાથેજ કોમ્પ્યુટરના હાઈટેક ટેકનોલોજીના નિષ્ણાંતો પણ ટીમમાં સામેલ છે.
આ ટીમો દ્વારા વડોદરાના માઈગ્રેશન ઓવરસીસ સેન્ટરમાં દરોડા પાડવામાં આવ્યા છે.
ઈમીગ્રેશન એજન્ટો દ્વારા ખોટા દસ્તાવેજ અને ડોક્યુમેન્ટ બનાવીને તે લોકોને વિદેશ મોકલતા હોય છે ત્યારે વિદેશ ગયા હોય પરંતુ વિદેશની અંદર એન્ટ્રી ના મળી હોય તેવી ઘટનાની અરજી ગાંધીનગર CID ને હાથ લાગી અને ત્યારબાદ ગાંધીનગર CIDનું ઓપરેશન શરૂ થયુ છે.

વડોદરાની સાથે-સાથે અમદાવાદ અને ગાંધીનગર ખાતેની ઈમિગ્રેશનનું કામ કરતી સંસ્થાઓમાં પણ તપાસ શરૂ થઈ છે.શંકાસ્પદ ડોક્યુમેન્ટ મળી આવ્યા છે. જેનું વેરિફિકેશન કરવામાં આવી રહ્યું છે અને તમામ ડોક્યુમેન્ટનું વેરિફિકેશન કરાઈ રહ્યું છે અને તપાસમાં ખોટા ડોક્યુમેન્ટ મળી આવનાર વિઝા કન્સલ્ટન્સી સામે ગુનો નોંધવામાં આવશે.
આ બધા વચ્ચે અમદાવાદની સીજી રોડ પર સ્થિત હાઇટેક એજ્યુકેશન વિઝા કન્સલ્ટન્સી ઓફિસમાં તપાસ દરમ્યાન 7 દારૂની બોટલ અને 35 બિયરની બોટલો મળતા પોલીસ ચોંકી ઉઠી હતી.
અમદાવાદ બરોડા અને ગાંધીનગર મળી કુલ 25 જેટલી ઈમિગ્રેશન સંસ્થાઓ પોલીસના રડારમાં છે જેમાં 17 જેટલા સ્થળે રેડ પાડવામાં આવી છે. આ રેડમાં બોગસ માર્કશીટ અને ડોક્યુમેન્ટ મળ્યા છે, જ્યારે 182 જેટલા પાસપોર્ટની કોપી પણ પ્રાપ્ત થઈ છે. અત્યાર સુધીમાં કેટલા લોકોને બોગસ રીતે વિદેશ મોકલ્યા છે તે દિશામાં તપાસ ચાલુ છે.