ચીન અને તાઈવાન વચ્ચે તણાવ દિન પ્રતિદિન વધતો જઈ રહ્યો છે અને આવી સ્થિતિમાં જો ચીન તાઈવાન પર હુમલો કરવાની ભૂલ કરશે તો ચીનને મોટો ફટકો પડી શકે છે. સુરક્ષા નિષ્ણાતોનું માનવું છે કે યુદ્ધની સ્થિતિમાં ચીનનો હિંદ મહાસાગરમાં તેલનો પુરવઠો ખોરવાઈ શકે છે.

મહત્વનું છે કે દરરોજ લગભગ 60 મોટા ચીની તેલવાહક જહાજો ઈરાનની ખાડીમાંથી હિંદ મહાસાગરમાં પ્રવેશ કરે છે અને પછી દક્ષિણ ચીન સાગર થઈને ચીન પહોંચે છે.
દક્ષિણ ચીન સાગરમાં ચીની નૌકાદળનું ભલે વર્ચસ્વ છે, પરંતુ હિંદ મહાસાગર એક એવો વિસ્તાર છે જ્યાં ચીન પાસે કોઈ નોંધપાત્ર હવાઈ સમર્થન કે મોટું લશ્કરી મથક પણ નથી ત્યારે આવી સ્થિતિમાં હિંદ મહાસાગરમાં ચીનના તેલવાહક જહાજોને સરળતાથી રોકી શકાય છે અથવા તો નષ્ટ કરી શકાય છે.
જો આવું થાય તો વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા લકવાગ્રસ્ત થઈ શકે છે.

આ વાત ઓસ્ટ્રેલિયાની નેશનલ યુનિવર્સિટીના સુરક્ષા બાબતોના નિષ્ણાત ડેવિડ બ્રુસ્ટરનું કહી છે. સુરક્ષા સમીક્ષકોનું કહેવું છે કે જો ચીન રશિયા અને યુક્રેન જેવા લાંબા યુદ્ધમાં ફસાઈ જશે તો હિંદ મહાસાગરમાં ચીનની નબળાઈ તેના માટે ઘાતક સાબિત થઈ શકે છે.

તમને જણાવી દઈએ કે ચીને નવેમ્બર સુધી છેલ્લા 11 મહિનામાં 51 કરોડ ટનથી વધુ કાચા તેલની આયાત કરી છે. સત્તાવાર માહિતી અનુસાર, ચીનની તેલની આયાતમાં 12 ટકાનો વધારો નોંધાયો છે. યુએસ ડિફેન્સ મિનિસ્ટ્રી પેન્ટાગોનના રિપોર્ટ અનુસાર ચીનનું લગભગ 62 ટકા ક્રૂડ ઓઈલ અને 17 ટકા પ્રાકૃતિક ગેસ સ્ટ્રેટ ઓફ મલક્કા અને સાઉથ ચાઈના સી થઈને આવે છે અને આ રસ્તો હિંદ મહાસાગરમાંથી પસાર થાય છે. આ સાથે ચીનમાં પશુઓને ખવડાવવા માટેના સોયાબીન પણ આ માર્ગ દ્વારા આયાત કરવામાં આવે છે.

ચીન પાસે સૈન્ય સેટેલાઇટ ઉપગ્રહોનું મોટું નેટવર્ક છે પરંતુ હિંદ મહાસાગરમાં ચીન પાસે માત્ર એક જ સૈન્ય મથક છે અને તે પણ હવાઈ સમર્થન નથી. ઓક્ટોબરમાં જાહેર કરાયેલા પેન્ટાગોનના રિપોર્ટ અનુસાર, હિંદ મહાસાગરમાં ચીનના પાકિસ્તાન, તાંઝાનિયા અને શ્રીલંકામાં બેઝ છે, પરંતુ અત્યાર સુધી આ બેઝ માત્ર વેપાર પ્રવૃત્તિઓ સુધી જ મર્યાદિત છે. જીબુટીમાં ચીનનું સૈન્ય મથક છે પરંતુ ત્યાં કોઈ હવાઈ ક્ષેત્ર નથી.
આ ઉપરાંત તેનું આ મિલિટરી બેઝ અમેરિકા, ફ્રાન્સ અને બ્રિટનના મિલિટરી બેઝથી પણ ઘેરાયેલું છે. તેના જવાબમાં હિંદ મહાસાગરમાં અમેરિકાની નોંધપાત્ર હાજરી છે. અમેરિકાનો પાંચમો કાફલો બહેરીનમાં તૈનાત છે. ઉપરાંત, તેનો સાતમો કાફલો ડિએગો ગાર્સિયા ટાપુ પરથી કાર્યરત છે, જ્યારે તેનું મુખ્ય મથક જાપાનમાં છે. ડિએગો ગાર્સિયા બ્રિટન દ્વારા સંચાલિત છે અને તે લાંબા અંતરના બોમ્બર્સ તેમજ યુએસ એરક્રાફ્ટ કેરિયર્સનું ઘર છે. પૂર્વમાં ઓસ્ટ્રેલિયા પણ સમુદ્રમાં સતત દેખરેખ વધારી રહ્યું છે. ઓસ્ટ્રેલિયાના પી-8 પોસાઇડન એરક્રાફ્ટ અને યુએસ અને બ્રિટનની ન્યુક્લિયર સબમરીન પશ્ચિમ કિનારા પર સતત દેખરેખ વધારી રહી છે.
આમ,ચીન જો તાઇવાન ઉપર હુમલો કરશે તો તેની મોટી ભૂલ હશે તેમ નિષ્ણાતોનું માનવું છે.