અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોમાં થયું અવસાન, ભારતના સૌથી પ્રખ્યાત શાસ્ત્રીય સંગીતકારોમાંના એક ઝાકિર હુસૈનને 1988માં પદ્મશ્રી, 2002માં પદ્મ ભૂષણ અને 2023માં પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા હતા

પ્રખ્યાત તબલાવાદક ઝાકિર હુસૈને દુનિયાને અલવિદા કહી દીધું છે. અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોમાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. તેઓ 73 વર્ષના હતા. હૃદય સંબંધિત સમસ્યાઓના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

તેઓ છેલ્લા બે અઠવાડિયાથી હોસ્પિટલમાં દાખલ હતા પરંતુ બાદમાં તેમની તબિયત બગડવાના કારણે તેમને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા.
ઝાકિર હુસૈનના પરિવારે સોમવારે સવારે તેમના મૃત્યુની પુષ્ટિ કરી હતી અને કહ્યું હતું કે વિશ્વના ઉત્કૃષ્ટ સંગીતકારોમાંના એક ઝાકિર હુસૈનનું હૃદયની સમસ્યાને કારણે 73 વર્ષની વયે અવસાન થયું હતું. તેમણે પોતાની પાછળ અભૂતપૂર્વ વારસો છોડ્યો છે.

ઝાકિર હુસૈન તેમના પત્ની એન્ટોનિયા મિનેકોલા, તેમની બે પુત્રીઓ અનીસા કુરેશી અને ઈસાબેલા કુરેશી, તેમના ભાઈઓ તૌફિક અને ફઝલ કુરેશી અને તેમની બહેન ખુરશીદથી પાછળ છે.

ઝાકિર હુસૈને પાંચ ગ્રેમી જીત્યા હતા
ઉસ્તાદ ઝાકિર હુસૈનને તેમની પેઢીના મહાન તબલાવાદક માનવામાં આવે છે. ભારતના સૌથી પ્રખ્યાત શાસ્ત્રીય સંગીતકારોમાંના એક ઝાકિર હુસૈનને 1988માં પદ્મશ્રી, 2002માં પદ્મ ભૂષણ અને 2023માં પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા છે. તેણે તેની કારકિર્દીમાં પાંચ ગ્રેમી એવોર્ડ જીત્યા છે. ઝાકિર હુસૈનનો જન્મ 9 માર્ચ 1951ના રોજ મુંબઈમાં થયો હતો. તેમના પિતા મહાન તબલાવાદક ઉસ્તાદ અલ્લાહ રખા કુરેશી હતા. માતાનું નામ બીવી બેગમ હતું.

છ દાયકાની તેમની કારકિર્દીમાં તેમણે દેશ અને દુનિયાના ઘણા લોકપ્રિય કલાકારો સાથે કામ કર્યું હતું. ઇંગ્લિશ ગિટારવાદક જોન મેકલોફલિને ભારતીય વાયોલિન વાદક એલ. શંકર, તબલાવાદક ઝાકીર હુસૈન અને ટી.એચ. ‘વિક્કુ’ વિનાયક્રમ સાથે ફ્યુઝન બેન્ડ ‘શક્તિ’ શરૂ કર્યું, પરંતુ 1977 પછી આ બેન્ડ બહુ સક્રિય નહોતું.

1997માં, જ્હોન મેકલોફલિને એ જ ખ્યાલ પર ફરીથી ‘રીમેમ્બર શક્તિ’ નામનું બેન્ડ બનાવ્યું અને તેમાં વી. સેલ્વગણેશ (ટી.એચ. ‘વિક્કુ’ વિનાયક્રમનો પુત્ર), મેન્ડોલિન પ્લેયર યુ. શ્રીનિવાસ અને શંકર મહાદેવનનો સમાવેશ કરવામાં આવ્યો હતો. 2020 માં, બેન્ડ ફરીથી સાથે આવ્યું અને ‘શક્તિ’ તરીકે તેઓએ 46 વર્ષ પછી તેમનું પહેલું આલ્બમ ‘ધીસ મોમેન્ટ’ રજૂ કર્યું.