ઈંગ્લેન્ડ સામેની હાર સાથે પાકિસ્તાનનું વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનું સપનું લગભગ સમાપ્ત

ઈંગ્લેન્ડ સામે રમાઈ રહેલી ત્રણ ટેસ્ટ મેચોની હોમ સિરીઝમાં પાકિસ્તાને સતત બે મેચ હાર્યા બાદ સિરીઝ ગુમાવી દીધી છે. ઈંગ્લેન્ડે પ્રથમ ટેસ્ટ 74 રને અને બીજી 26 રને જીતી હતી. આ સિરીઝ સાથે પાકિસ્તાનનું 2023માં યોજાનારી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનું સપનું લગભગ પૂરું થઈ ગયું છે.

ઈંગ્લેન્ડ સામેની હાર બાદ પાકિસ્તાન વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાને પહોંચી ગયું છે. આ શ્રેણી હાર્યા બાદ પાકિસ્તાનની જીતની ટકાવારી માત્ર 42.42 રહી છે. પાકિસ્તાને અત્યાર સુધી 4 મેચ જીતી છે, 5માં હાર અને 2 મેચ ડ્રો રહી છે.

પાકિસ્તાનની હાર બાદ હવે આ ચાર ટીમો હજુ પણ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ રમવાની રેસમાં છે. જેમાં ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા, શ્રીલંકા અને ભારતની ટીમ સામેલ છે. ચારેય ટીમો અનુક્રમે એકથી ચાર નંબર પર હાજર છે. ભારતીય ટીમ 14 ડિસેમ્બર, બુધવારથી બાંગ્લાદેશ સામે બે ટેસ્ટ મેચની શ્રેણી રમશે. આ શ્રેણીમાં બાંગ્લાદેશને ક્લીન સ્વીપ કરીને ભારતીય ટીમ પોતાની જીતની ટકાવારી વધારી શકે છે. આ પછી ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે ઘરઆંગણે ટેસ્ટ મેચોની શ્રેણી રમશે.

ભારતે અત્યાર સુધી 6 મેચ જીતી

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ભારતીય ટીમે અત્યાર સુધીમાં કુલ 6 મેચ જીતી છે. આ સાથે જ ટીમ 4 મેચ હારી છે અને 2 મેચ ડ્રો રહી છે. હાલમાં ભારતીય ટીમની જીતની ટકાવારી 52.08 છે. પોતાની આગામી મેચો જીતીને ભારતીય ટીમ ફાઇનલમાં જગ્યા બનાવવામાં સફળ રહી શકે છે.

આ ટોપ-4 ટીમોમાં ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા, શ્રીલંકા અને ભારત, 2 ટીમો જૂન, 2023માં યોજાનારી માર્કી ઓવલ ટેસ્ટમાં રમશે. તમને જણાવી દઈએ કે આ ટોપ-4 ટીમોમાં ઓસ્ટ્રેલિયાની જીતની ટકાવારી 75, દક્ષિણ આફ્રિકાની 60, શ્રીલંકાની 53.33 અને ભારતની 52.08 છે.