ન્યુઝીલેન્ડે શ્રીલંકાને બીજી ટેસ્ટમાં પણ હરાવ્યું, ભારત ઓસ્ટ્રેલિયા 7 જૂને ઓવલમાં રમશે ફાઇનલ, કોને મળ્યું ત્રીજું સ્થાન ?

શ્રીલંકા અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ટેસ્ટ શ્રેણી સમાપ્ત થવાની સાથે, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2021-23 પણ સમાપ્ત થઈ ગઈ છે. ICC દ્વારા સોમવારે અંતિમ પોઈન્ટ ટેબલ જાહેર કરવામાં આવ્યું હતું, હવે આ ચેમ્પિયનશિપની માત્ર ફાઈનલ મેચ જ યોજાવાની બાકી છે. જે 7 જૂને લંડનના ધ ઓવલ મેદાનમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે થશે.

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના અંતિમ પોઈન્ટ ટેબલમાં ઓસ્ટ્રેલિયા નંબર-1 પર છે જ્યારે ભારત નંબર-2 પર છે. આઈસીસીના નિયમો અનુસાર પોઈન્ટ ટેબલમાં ટોપ-2 ટીમ જ ફાઈનલમાં પહોંચે છે. તમને જણાવી દઈએ કે આ ચેમ્પિયનશિપની છેલ્લી સિરીઝમાં ન્યૂઝીલેન્ડે શ્રીલંકાને 2-0થી હરાવ્યું છે.

અંતિમ પોઈન્ટ ટેબલ મુજબ ઓસ્ટ્રેલિયાની 11 જીત, 3 હાર અને 5 મેચ ડ્રો છે. ઓસ્ટ્રેલિયાની જીતની ટકાવારી 66.67 છે, જ્યારે ભારત 10 જીત, 5 હાર અને 3 ડ્રો સાથે બીજા ક્રમે છે. ભારતની જીતની ટકાવારી 58.6 રહી છે.

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2021-23માં ભારતીય ટીમનું પ્રદર્શન

  • ઈંગ્લેન્ડ સામેની 4 ટેસ્ટ શ્રેણી 2-2 થી બરાબર થઈ
  • 2 ટેસ્ટની હોમ સિરીઝમાં ન્યૂઝીલેન્ડને 1-0થી હરાવ્યું
  • દક્ષિણ આફ્રિકા સામેની 3 ટેસ્ટ શ્રેણીમાં 1-2થી હાર
  • 2 ટેસ્ટની હોમ સિરીઝમાં શ્રીલંકાને 2-0થી હરાવ્યું
  • બાંગ્લાદેશને 2 ટેસ્ટ શ્રેણીમાં 2-0થી ક્લીન સ્વીપ કર્યું
  • ઓસ્ટ્રેલિયા સામેની 4 ટેસ્ટની હોમ સિરીઝમાં 2-1થી વિજય

કાંગારૂઓ સામે 7 જૂને ફાઇનલ
હાલમાં જ ટીમ ઈન્ડિયાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ઓસ્ટ્રેલિયાને 2-1થી હરાવ્યું છે. બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ભારતની આ સતત ચોથી શ્રેણી જીત છે, જે એક ઈતિહાસ છે. ભારતીય ટીમે હવે ઓસ્ટ્રેલિયા સામે અંતિમ મેચ રમવાની છે જે આસાન નથી. ટીમ ઈન્ડિયા સતત બીજી વખત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચી છે. તેને 2019-21ની ફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો હતો.

WTC 2023 ફાઇનલ-

  • ભારત વિ ઓસ્ટ્રેલિયા
  • 7 થી 11 જૂન
  • ધ ઓવલ, લંડન
    12 જૂન અનામત દિવસ