બાંગ્લાદેશમાં મુખ્ય વિપક્ષી પાર્ટી BNP અને તેના સહયોગીઓ દ્વારા છૂટાછવાયા હિંસા અને બહિષ્કાર વચ્ચે રવિવારે સાંજે બાંગ્લાદેશમાં સામાન્ય ચૂંટણીઓ માટે મતદાન પૂર્ણ થયું,આ સાથે જ મતગણતરી પણ શરૂ થઈ ગઈ, જેનાથી વડાપ્રધાન શેખ હસીના માટે સતત ચોથી વખત સત્તામાં આવવાનો માર્ગ મોકળો થયો છે.
મતગણતરી આજે સોમવાર સુધી ચાલુ રહી શકે છે.

મતદાન સવારે 8 વાગ્યે શરૂ થયું હતું અને સાંજે 4 વાગ્યે પૂર્ણ થયું હતું. ચૂંટણીના પરિણામો 8મી જાન્યુઆરીએ સવારે જાહેર થવાની ધારણા છે.
આ ચૂંટણીમાં ફરી એકવાર વડાપ્રધાન શેખ હસીના જીતે તેવી પ્રબળ સંભાવના છે.
જો આમ થશે તો તે સતત ચોથી વખત પીએમ બનશે.

ઉલ્લેખનીય છે કે પૂર્વ વડાપ્રધાન ખાલિદા ઝિયા (78)ની મુખ્ય વિપક્ષી પાર્ટી બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP)એ આ ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો, ભ્રષ્ટાચારના આરોપમાં દોષિત જાહેર થયા બાદ ખાલિદા હાલ નજરકેદ છે.
શેખ હસીનાએ 2041 સુધીમાં બાંગ્લાદેશને સ્માર્ટ રાષ્ટ્ર બનાવવાનું વચન આપ્યું છે,તેમણે 2030 સુધીમાં યુવાનો માટે 1.5 કરોડ નોકરીઓનું સર્જન કરવાનું વચન પણ આપ્યું છે.
અવામી લીગે સ્માર્ટ બાંગ્લાદેશ માટે 11 પ્રાથમિકતાઓ નક્કી કરી છે, જેમાં આધુનિક, ટેક્નોલોજીથી સમૃદ્ધ દેશનું નિર્માણ અને દેશના હેલ્થકેર સેક્ટરને આધુનિક બનાવવાનો સમાવેશ થાય છે. સમગ્ર વિશ્વની નજર બાંગ્લાદેશની ચૂંટણી પર છે જે હિંસાનો સામનો કરી રહી છે.
માત્ર ભારત અને ચીન જ નહીં પરંતુ રશિયાથી લઈને અમેરિકાને પણ બાંગ્લાદેશની ચૂંટણીમાં રસ છે.

દરમિયાન આજે મતદાન બાદ બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ ભારતના વખાણ કર્યા અને કહ્યું, ‘તમારું હૃદયપૂર્વક સ્વાગત છે. અમે ખૂબ જ ભાગ્યશાળી છીએ કે અમારી પાસે ભારત જેવો વિશ્વાસપાત્ર મિત્ર છે.
અમારા મુક્તિ સંગ્રામ દરમિયાન, તેઓએ અમને ટેકો આપ્યો અને 1975 પછી, જ્યારે અમે અમારું આખો પરિવાર ગુમાવ્યો ત્યારે તેઓએ અમને આશ્રય આપ્યો,તેથી ભારતના લોકોને અમારી શુભકામનાઓ.

બાંગ્લાદેશમાં આજે ચૂંટણી હિંસક રહી, મતદાન મથકો પર મોટા પાયે આગચંપી અને બુથ સળગાવવાના બનાવો બન્યા છે.
ચૂંટણી પહેલા જ એક ટ્રેનમાં ભીષણ આગ લાગી હતી, જેમાં ચાર લોકોના મોત થયા હતા.
આ ઘટના બાંગ્લાદેશની રાજધાની ઢાકાની છે.

શનિવારે વહેલી સવારે બાંગ્લાદેશના 10 જિલ્લાઓમાં ઓછામાં ઓછા 17 મતદાન મથકોમાં આગચંપીના બનાવો બન્યા.
પોલીસને સુનામગંજ, હબીગંજ, તાંગેલ, શરિયતપુર, ચટ્ટોગ્રામ, ગાઝીપુર, મૈમનસિંહ, નેત્રોકોના, ખુલના અને બરગુના જિલ્લાના મતદાન મથકો પર આગચંપીના અહેવાલ મળ્યા હતા.