વિદેશમાં જઈને ખૂબજ ઝડપથી રૂપીયાવાળા થવા માટે યુવાનોમાં જાણેકે ગજબનો ક્રેઝ હાવી થઈ ગયો છે અને છેલ્લા કેટલાક સમયથી ગુજરાત સહિત પંજાબ માંથી મોટી સંખ્યામાં લોકો વિદેશ જઈ રહયા છે.

ભારતમાં મર્યાદિત અને અનામત ધોરણે મળતી સરકારી નોકરીઓ અને ખાનગી ફર્મમાં મોટા ભાગે તીન પાટિયા લોકોનો રાફડો ફાટ્યો છે આવા લોકો કંપની ખોલી બેસી જાય છે અને લાખ્ખો રૂપિયા ખર્ચીને શિક્ષણ મેળવેલો યુવાન કે યુવતી જ્યારે આવી કંપનીમાં નોકરી કરવા જાય છે ત્યારે ઓછી સેલરીમાં કામ કરવું પડે છે અને તે પણ 1 થી 10 તારીખે પગાર આપવાનું કહી માંડ દોઢ મહિને પગાર થાય છે અને શોષણ થાય છે પરિણામે ઘરમાં બે પૈસાની મદદ કરવા ઇચ્છતો યુવક કે યુવતી પોતાનો પણ ખર્ચ માંડ માંડ કાઢતો હોય છે આવા સંજોગોમાં યુવાનો વિદેશ તરફ નજર દોડાવે છે અને અમેરિકામાં કલાકના હિસાબે ડૉલરમાં પૈસા મળે અને ઉચ્ચ કક્ષાનું જીવન જીવવા મળે તે માટે NRI બની જવામાં ગૌરવ સમજી રહયા છે.
અહીં પેરેન્ટ્સ પણ ઈચ્છે કે પોતાના સંતાનની જિંદગી સુધરી જશે તેવું માની સંતાનોને વિદેશમાં મોકલવા માંગતા હોય આવી વિચારસરણી ધરાવતા લોકોની સંખ્યા વધી રહી છે પરિણામે વિદેશમાં જનારા લોકોની સંખ્યા વધી છે,અમેરિકા જવાનો ચાન્સ ન મળે તો કેનેડા,ઓસ્ટ્રેલિયા,આફ્રિકા તરફ
આ લોકો કોઈપણ કિંમત ચૂકવીને ગેરકાયદેસર રીતે જવા તૈયાર છે.

યુવાનો ડોલરમાં કમાવા માટે પોતાનો જીવ જોખમમાં મૂકીને પણ ગેરકાયદેસર રીતે અમેરિકા જવા તૈયાર થઈ જાય છે.
બીજી તરફ આવી આકાંક્ષા ધરાવતા લોકોને ગેરકાયદેસર રીતે વિદેશ મોકલવા એ ભારતમાં પણ કેટલાક લોકો માટે એક ધંધો બની ગયો છે.

ખાસ કરીને ગુજરાત અને પંજાબમાં આવા એજન્ટોનું નેટવર્ક વધી રહ્યું છે જે યુવાનોને આ માટે ઉશ્કેરે છે અને બદલામાં તેમની પાસેથી લાખો રૂપિયા ઉસેટી લે છે.
છેલ્લા ચાર વર્ષમાં આવા લોકોની સંખ્યામાં 12 ગણો વધારો થયો છે.

યુએસ કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શનના રિપોર્ટ અનુસાર, 2018-19માં 8027 ભારતીયો ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશવાનો પ્રયાસ કરતા પકડાયા હતા. 2022-23માં આ આંકડો 12 ગણો વધ્યો છે.
આ વર્ષે 96,917 ભારતીયો યુએસ બોર્ડર પર પકડાયા છે.

મતલબ કે હવે દરરોજ સરેરાશ 250 ભારતીયો અમેરિકા જવાનો પ્રયાસ કરતા પકડાઈ રહ્યા છે. આમાંના મોટાભાગના લોકો પંજાબ અને ગુજરાતના છે.
વિદેશમાં પણ આ બે રાજ્યોના લોકો સૌથી વધુ જોવા મળે છે.

અમેરિકી સેનેટર જેમ્સ લેન્કફોર્ડે પણ ગેરકાયદેસર રીતે અમેરિકા આવતા લોકોની વધતી સંખ્યા પર ચિંતા વ્યક્ત કરી છે.
તેમણે કહ્યું કે લોકો અન્ય દેશોમાંથી ફ્લાઈટ બદલીને પહેલા મેક્સિકો અને કેનેડા આવે છે અને પછી ત્યાંના એજન્ટો તેમને ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશવા દે છે,આ સીલસીલો રોકવા માટે પગલાં લેવા ખૂબ જરૂરી થઈ પડ્યું છે.

–આ ઘટનાએ આખી દુનિયાનું ધ્યાન ખેંચ્યું છે

ફ્રાન્સમાં માનવ તસ્કરીની આશંકામાં ભારતીય મુસાફરોથી ભરેલી એક ચાર્ટર્ડ ફ્લાઈટને ફ્રાંસમાં અટકાવી થયેલી તપાસમાં આ પ્લેન દુબઈથી મધ્ય અમેરિકન દેશ નિકારાગુઆ જઈ રહ્યું હતું અને વિમાનમાં 303 મુસાફરો સવાર હતા, જેમાંથી 260 ભારતીય હતા.
જે પૈકી 65 લોકો ગુજરાતીઓ હતા. પ્લેનમાં મોટાભાગના લોકો એકલા મુસાફરી કરી રહ્યા હતા અને ત્રણ લોકો હતા જેમની ઉંમર 18 વર્ષથી ઓછી હતી.

ફ્લાઇટમાં સવાર મોટાભાગના ભારતીયોની પૂછપરછ કરવામાં આવી ત્યારે તેમાંથી ઘણા તો એ પણ નક્કી કરી શક્યા ન હતા કે તેઓ ચાર્ટર્ડ ફ્લાઇટ દ્વારા ક્યાં જવા માગે છે, શા માટે જવા માગે છે, તેમની ટિકિટ કોણે બુક કરાવી છે.
આખરે કેટલાક મુસાફરોએ સ્વીકાર્યું કે તેઓ ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા.
સ્થાનિક એજન્ટો દ્વારા તેને પહેલા અમદાવાદથી દુબઈ અને ત્યાંથી નિકારાગુઆ અને નિકારાગુઆથી
અમેરિકી સરહદ ગેરકાયદેસર રીતે પાર કરવાની હતી અને આખરે આ મુસાફરોને ભારત પરત મોકલી દેવામાં આવ્યા અને ગુજરાતમાં CID ટીમની તપાસમાં મોટા ખુલાસા થયા હતા અને આ બધાજ ગેરકાયદે રીતે અમેરિકા જવાનો મામલો સામે આવ્યો હતો.
આ ઘટનાએ સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે.