ગુજરાતમાં આગામી લોકસભાની ચૂંટણીઓ અગાઉ ભાજપ દ્વારા તમામ સીટ કબ્જે કરવા વ્યૂહરચના સાથે કાઉન્ટ ડાઉન શરૂ થયું છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ વચ્ચે થયેલી સાડા 3 કલાક સુધીની બેઠક દરમિયાન ગુજરાતમાં આવતા મહિને યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024ની તૈયારીઓ સહિત અનેક મુદ્દે ચર્ચા થઈ હતી.

ગુજરાતના મુખ્યમંત્રી દિલ્હીમાં પ્રધાનમંત્રી આવાસ પહોંચ્યા હતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. આ બેઠકમાં અમિત શાહ પણ હાજર રહ્યા હતા. 
વાત એવી પણ છે કે 2024ની ચૂંટણી પહેલા સંગઠનમાં ખાલી પડેલી જગ્યાઓ પણ ભરાઈ શકે છે.
મહત્વનું છે કે ગુજરાત ભાજપની કોર ટીમમાં છ મોટી જગ્યાઓ ખાલી છે. જેમાંથી બે પદ રાજ્ય મહામંત્રીઓના છે.
અગાઉ ભાર્ગવ ભટ્ટ અને પ્રદીપસિંહ વાઘેલાએ આપેલા રાજીનામા બાદ આ જગ્યાઓ ખાલી પડી છે. 
આ સિવાય અનેક કોર્પોરેશનોમાં પણ ચેરમેનની જગ્યાઓ પણ ખાલી પડી છે જેની પણ નિમણૂકો થવાની બાકી છે.
સાથેજ મંત્રીમંડળનું વિસ્તરણ થવા અંગેપણ વાતો જોરમાં છે જે અંગે પણ ચર્ચા થઈ હોવાનું મનાય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ સરકારને ગયા અઠવાડિયે તેના બીજા કાર્યકાળનું પ્રથમ વર્ષ પૂર્ણ થઈ ચૂક્યું છે.
મહત્વનું છે કે 2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 156 બેઠકો જીતી હતી.
ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ફરી સરકાર રચાયા બાદ ગુજરાત મંત્રીમંડળના વિસ્તરણને લઈને અટકળો છે ત્યારે 2024ની ચૂંટણી પહેલા કેબિનેટનું વિસ્તરણ થાય છે કે નહીં ? તે જોવાનું રહે છે.