મુંબઈમાં ફિલ્મ સ્ટાર સલમાન ખાનના નિવાસસ્થાન બહાર ફાયરિંગ કરવાની ઘટનામાં પોલીસે ઉંચકી લીધેલા શૂટર સાગર પાલની પૂછતાછ દરમિયાન ફાયરીંગમાં વપરાયેલી રિવોલ્વર સુરતની તાપી નદીમાં ફેંકી દેવામાં આવી હોવાની વાતને લઈ મુંબઈ ક્રાઇમ બ્રાન્ચની ટીમ સહિત એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ દયા નાયક સુરતમાં તપાસ અર્થે આવ્યા હોવાની માહિતી સામે આવી છે.
મુંબઈમાં સલમાનના ઘર ઉપર ફાયરિંગ કર્યા બાદ તેઓ ટ્રેન મારફતે મુંબઇથી ગુજરાત તરફ આવ્યા અને ભૂજ જતી વખતે તેમણે ટ્રેનમાંથી તાપી નદીમાં રિવોલ્વર ફેંકી દીધી હોવાની કબૂલાતને આધારે સુરતમાં તપાસ કરવામાં આવી રહી છે.

સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કર્યા બાદ ગુજરાત તરફ ભાગેલા બંન્ને શૂટરની ભુજથી અંદાજે 40 કિમી દુરથી ધરપકડ કરવામાં આવી હતી. આરોપીઓને પકડવા માટે ભુજ પોલીસની પણ મદદ લેવામાં આવી હતી.
ફરાર આરોપીઓ સાગર પાલ અને વિકી ગુપ્તા કેજેઓ મૂળ બિહારના ચંપારણના હોવાનું તપાસમાં સામે આવ્યા બાદ બંને આરોપીઓના મોબાઈલ ફોન ચાલુ હતા, જે કેસની તપાસ કરી રહેલી પોલીસ માટે સૌથી મોટો પ્લસ પોઈન્ટ હતો.
ક્રાઈમ બ્રાન્ચે તેના બાતમીદારો અને સીસીટીવી કેમેરા ટ્રેકિંગનું નેટવર્ક સક્રિય કરી બંને આરોપીઓના ફોન ટ્રેક કરતા ગુજરાતના કચ્છમાં તેનું લોકેશન ટ્રેક કરવામાં આવ્યું હતું.

દરમિયાન તાપી નદીમાં ફેંકી દેવાયેલી રિવોલ્વર મામલે સુરતમાં તપાસ શરૂ થઈ છે.

આ રિવોલ્વર બંને આરોપીઓને 13 એપ્રિલની રાત્રે બાંદ્રામાં એક અજાણ્યા ઇસમે આપ્યું હોવાનું આરોપીઓનું કહેવું છે આજ રિવોલ્વરથી 14 એપ્રિલે તેઓએ સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કર્યું અને બાદમાં ટ્રેનમાંથી જ સુરતની તાપી નદીમાં રિવોલ્વર ફેંકી દીધાનું આરોપીઓ જણાવી રહયા છે.