પશ્ચિમ ઓસ્ટ્રેલિયન સરકારે ભારતીય એરલાઇન્સ કંપની એર ઇન્ડિયા, વિસ્તારા અને ઇન્ડિગો સાથે શરૂ કરી ચર્ચા
વેસ્ટર્ન ઑસ્ટ્રેલિયા સરકાર ભારતીય શહેરો અને પર્થ વચ્ચે સીધી ફ્લાઇટ્સ માટે ભારતીય એરલાઇન્સ સાથે વાતચીત કરી રહી છે. છેલ્લા કેટલાક સમયથી ભારતીય સમુદાય પર્થ અને ભારત વચ્ચે સીધી ફ્લાઇટ શરૂ થાય તે માટે માગણી કરી રહ્યો હતો અને હવે થોડા સમયમાં જ તેમની માગણી સંતોષાય તેવું વાતાવરણ બની રહ્યું છે.
પશ્ચિમ ઓસ્ટ્રેલિયામાં ભારતીય મૂળની નોંધપાત્ર વસ્તી છે અને ભારત દેશ માટે સૌથી મોટા પ્રવાસન બજારોમાંનું એક છે. પશ્ચિમ ઓસ્ટ્રેલિયાના ડેપ્યુટી પ્રીમિયર અને પ્રવાસન પ્રધાન રોજર કૂકે જણાવ્યું હતું કે ભારત અને પર્થ વચ્ચે સીધી ફ્લાઈટ સેવા શરૂ કરવા માટે એર ઈન્ડિયા, વિસ્તારા અને ઈન્ડિગો સાથે વાતચીત ચાલી રહી છે.
કૂકે કહ્યું કે પશ્ચિમ ઓસ્ટ્રેલિયા સરકાર અને પર્થ એરપોર્ટ ભારતીય એરલાઇન્સને શું ઓફર કરે તેવી શક્યતા છે તે અંગે ચર્ચા કરી રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયામાં પ્રવાસન ઉદ્યોગ વધુ વિકસ્યો છે અને ભારતીય પ્રવાસીઓ અને રહેવાસીઓની સંખ્યમાં પણ વધારો થઇ રહ્યો છે. જેથી માગ હતી કે પર્થથી ભારતીય શહેરો વચ્ચે સીધી ફ્લાઇટ શરૂ થાય.