26/11ના માસ્ટર માઇન્ડ તવ્વહુર રાણાના પ્રત્યાર્પણને પણ મંજૂરી આપી, 2030 સુધીમાં દ્વિપક્ષીય વેપાર બમણો કરવાનું લક્ષ્ય, પીએમ મોદીએ ટ્રમ્પને ભારતની મુલાકાત માટે આમંત્રણ આપ્યું

PM Modi’s USA Visit : દ્વિપક્ષીય વાટાઘાટો બાદ પીએમ મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં ઘણી મોટી જાહેરાતો કરી છે. પીએમ મોદીએ કહ્યું કે અમે 2030 સુધીમાં અમારા દ્વિપક્ષીય વેપારને બમણાથી વધુ વધારીને $500 બિલિયન કરવાનું લક્ષ્ય રાખ્યું છે. અમારી ટીમો પરસ્પર ફાયદાકારક વેપાર કરારને અંતિમ સ્વરૂપ આપવા માટે કામ કરશે. તે જ સમયે, ટ્રમ્પે પીએમ મોદીને પોતાના કરતા વધુ સારા વાટાઘાટકાર ગણાવ્યા છે. આ સાથે જ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એલાન કર્યું છે કે ભારતને F-35 સ્ટીલ્થ જેટ આપવા માટે તૈયાર થઇ ગયું છે.
વ્હાઇટ હાઉસ ખાતે દ્વિપક્ષીય વાટાઘાટો પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સંયુક્ત પત્રકાર પરિષદ યોજી હતી, જ્યાં તેમણે બંને દેશો વચ્ચે થયેલા મહત્વપૂર્ણ કરારો વિશે માહિતી આપી હતી અને પત્રકારોના ઘણા પ્રશ્નોના જવાબ આપ્યા હતા. પીએમએ કહ્યું કે 2030 સુધીમાં આપણે ભારત-અમેરિકા વેપાર બમણો કરીશું. તે જ સમયે, ટ્રમ્પે પીએમ મોદીને પોતાના કરતા વધુ સારા વાટાઘાટકાર ગણાવ્યા છે.
તવ્વહુર રાણાના ભારતના પ્રત્યાર્પણને મંજૂરી
સંયુક્ત પત્રકાર પરિષદમાં પીએમ મોદીએ કહ્યું, ‘આપણે આતંકવાદ સામે લડવામાં સહયોગ કરીશું.’ સરહદ પારના આતંકવાદ સામે કડક કાર્યવાહીની જરૂર છે. ૨૬/૧૧ના આતંકવાદી તહવ્વુર રાણાના પ્રત્યાર્પણનો નિર્ણય લેવા બદલ હું રાષ્ટ્રપતિ ટ્રમ્પનો આભારી છું. આપણી અદાલતો તેને ન્યાય અપાવશે. પીએમ મોદીએ કહ્યું, ‘અમારું માનવું છે કે ભારત અને અમેરિકાની એકતા અને સહયોગ એક સારી દુનિયાને આકાર આપી શકે છે.’
ભારત વિકાસ તરફ આગળ વધી રહ્યું છે: પીએમ મોદી
પીએમએ કહ્યું કે અમેરિકાના લોકો રાષ્ટ્રપતિ ટ્રમ્પના સૂત્ર, ‘મેક અમેરિકા ગ્રેટ અગેન’ એટલે કે ‘MAGA’ થી પરિચિત છે. ભારતના લોકો પણ 2047 માં વિકસિત ભારતના દ્રઢ સંકલ્પ સાથે વારસા અને વિકાસના માર્ગ પર વિકાસ તરફ ખૂબ જ ગતિ અને શક્તિ સાથે આગળ વધી રહ્યા છે. અમેરિકન ભાષામાં, વિકસિત ભારતનો અર્થ થાય છે ભારતને ફરીથી મહાન બનાવો, એટલે કે ‘MIGA’. જ્યારે અમેરિકા અને ભારત સાથે મળીને કામ કરે છે, એટલે કે ‘MAGA’ અને ‘MIGA’, ત્યારે તે બને છે – ‘સમૃદ્ધિ માટે MEGA ભાગીદારી’. અને આ મહાશક્તિ આપણા લક્ષ્યોને નવો વ્યાપ અને અવકાશ આપે છે.
સંયુક્ત પત્રકાર પરિષદની શરૂઆત રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમની ભારત મુલાકાત અને પીએમ મોદીના આતિથ્યને યાદ કરીને કરી. તેમણે દેશોને આર્થિક રીતે મજબૂત બનાવવા માટે એક માળખાની જાહેરાત કરી. ટ્રમ્પે કહ્યું કે આ વર્ષે અબજો ડોલરના વધુ સંરક્ષણ વેચાણ શરૂ થઈ રહ્યા છે. ક્વાડ અને ઈન્ડો-પેસિફિક મજબૂત બનશે. ટ્રમ્પે કહ્યું કે તહવ્વુર રાણાને ભારત પ્રત્યાર્પણ કરવામાં આવશે.
સમાન વેપાર માટે ટ્રમ્પ સહમત થયા
ટ્રમ્પે કહ્યું, ‘વડાપ્રધાન મોદીએ તાજેતરમાં ભારતના અન્યાયી ટેરિફમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે.’ ભારત સાથે અમેરિકાની વેપાર ખાધ લગભગ $100 બિલિયન છે અને વડા પ્રધાન મોદી અને હું સંમત થયા છીએ કે અમે લાંબા સમયથી ચાલતા અસંતુલનને દૂર કરવા માટે સંકલન કરીશું જેને છેલ્લા ચાર વર્ષમાં દૂર કરવાની જરૂર હતી. આપણે ખરેખર એક સમાન રમતનું મેદાન ઇચ્છીએ છીએ, જેના આપણે ખરેખર હકદાર છીએ.