ગુજરાતમાં આવતી કાલે તા.7 મે ના રોજ મતદાન થવાનું હોય તે માટેની તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે, તંત્રમાં ધમધમાટ જોવા મળી રહ્યો છે અને ત્રીજા તબક્કાના મતદાન માટે ચૂંટણી પંચ તૈયાર છે.

ગુજરાતમાં લોકસભાની 25 બેઠકો જેવી કે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ પૂર્વ, અમદાવાદ પશ્ચિમ, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જામનગર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, બારડોલી, નવસારી, વલસાડ બેઠક ઉપર મતદાન થશે.

જ્યારે ગુજરાતની ખાલી પડેલી પાંચ વિધાનસભા જેવી કે વિજાપુર, માણાવદર, પોરબંદર, ખંભાત અને વાધોડિયા માટે પણ આવતી કાલે મતદાન થશે.

ગુજરાત સહિત દેશના 12 રાજ્યોની 93 બેઠકો માટે આવતી કાલે તા.7મી મે ના રોજ મંગળવારે મતદાન થવાનું છે.

મહત્વનું છે કે ગુજરાતમાં કુલ 26 બેઠકો પૈકી સુરત બેઠક બિન હરીફ રહેતા તે ભાજપને ફાળે ગઈ છે ત્યારે હવે 25 લોકસભા બેઠકો પર ચુંટણી થશે

ગુજરાતની વાત કરવામાં આવેતો ક્ષત્રિય આંદોલનના કારણે આ વખતે રાજકોટ સીટ ઉપર સૌની નજર છે અને રાજ્યમાં કઈ કઈ સીટો પ્રભાવિત થઈ શકે છે તે અંગે લોકોમાં ગજબની ઉત્સુકતા જોવા મળી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં 10 રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોની કુલ 94 બેઠકો પર મતદાન થશે.
આ મતદાન જંગમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા, પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહ સહિત અનેક મોટા નેતાઓની શાખ દાવ ઉપર લાગી છે.

ગુજરાતમાં ગત લોકસભાની બે ચૂંટણીઓમાં ભાજપ વિજેતા બન્યું હતુ ત્યારે જો આ વખતે પણ ભાજપ જીત મેળવી લે છે તો ગુજરાતમાં ભાજપની જીતની હેટ્રિક સર્જાશે.

જોકે, ચૂંટણીઓ બાદ 4 જૂને મતગણતરી દરમિયાન કોણ ક્યાં બાજી મારે છે તે સ્પષ્ટ થઈ જશે.