35 વર્ષીય ચૈતન્ય શ્વેતા મડગાનીનો મૃતદેહ ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન પાસેના બકલીમાં કચરાના ઢગલામાંથી મળી આવ્યો હતો.
માર્ચમાં થયેલી આ હત્યાએ માત્ર ભારતીયોને જ નહીં પરંતુ સમગ્ર ઓસ્ટ્રેલિયન સમુદાયને હચમચાવી નાખ્યો હતો.
એટલા માટે નહીં કે આ પ્રકારની આ પહેલી ઘટના હતી, પરંતુ એટલા માટે કે મહિલાઓની હત્યાનો આ સિલસિલો અટકી રહ્યો નથી.

ઓસ્ટ્રેલિયામાં મહિલાઓ ઉપરની હિંસાનો મુદ્દો ગંભીર બની જતા વડા પ્રધાન એન્થોની અલ્બેનિસે સોમવારે તેને ‘રાષ્ટ્રીય કટોકટી’ ગણાવી છે. રવિવારે દેશભરમાં હજારો લોકોએ મહિલાઓ ઉપર થતી હિંસા વિરુદ્ધ પ્રદર્શન કર્યું હતું.

વિગતો મુજબ 2.7 કરોડની વસ્તીવાળા દેશમાં આ વર્ષે એટલે કે માત્ર ચાર મહિનામાં 27 મહિલાઓની હત્યા કરવામાં આવી છે અને દર વર્ષે આ પ્રકારની ઘટનાઓ વધી રહી છે. આથી આલ્બાનીનું ધ્યાન પણ આ તરફ ગયું અને તેમણે કહ્યું કે આ પ્રદર્શન એ બતાવે છે કે ઓસ્ટ્રેલિયન સરકાર મહિલાઓ સામેની હિંસા પર કાર્યવાહી કરે.

રાષ્ટ્રીય કટોકટી

સ્થાનિક ટીવી ચેનલ નાઈન નેટવર્ક સાથે વાત કરતા, અલ્બાનીએ કહ્યું: “સ્પષ્ટપણે આપણે કઈક કરવાની જરૂર છે. માત્ર સહાનુભૂતિ વ્યક્ત કરવી પૂરતું નથી. દર ચાર દિવસે તેના જીવનસાથીના હાથે એક મહિલાનું સરેરાશ મૃત્યુ એ રાષ્ટ્રીય કટોકટી છે.

અલ્બાનીએ કહ્યું કે તેઓ આ મુદ્દે રાજ્ય અને પ્રાદેશિક નેતાઓની બેઠક બોલાવશે.

ઓસ્ટ્રેલિયામાં શનિવાર અને રવિવારે 17 સ્થળોએ રેલીઓ યોજાઈ હતી. એકલા મેલબોર્નની આ રેલીમાં 15,000 લોકો પહોંચ્યા હતા. વડાપ્રધાન અને દેશના મહિલા બાબતોના મંત્રી કેટી ગેલાઘરે કેનબેરામાં એક રેલીમાં હાજરી આપી ત્યારે તેમને લોકોના રોષનો સામનો કરવો પડ્યો હતો,લોકોએ સૂત્રોચ્ચાર કર્યા હતા.

તે રેલીમાં, અલ્બેનીઝે કહ્યું કે ગુનેગારો સામે કડક કાર્યવાહી અને હિંસા રોકવાની જરૂર છે. “આપણે સંસ્કૃતિ બદલવાની જરૂર છે. આપણે વલણ બદલવાની જરૂર છે. આપણે ન્યાય પ્રણાલી બદલવાની જરૂર છે,” તેમ તેમણે કહ્યું હતું.
ઑસ્ટ્રેલિયામાં છેલ્લાં કેટલાંક વર્ષોથી મહિલાઓ દ્વારા તેમના જીવનસાથી દ્વારા હિંસાના કિસ્સાઓ ચિંતાનો વિષય છે. વાર્ષિક સરેરાશ દર્શાવે છે કે દર 11 દિવસે એક મહિલાની હત્યા થાય છે. પરંતુ હત્યા સિવાય હિંસાનું સંકટ ઘણું મોટું બની ગયું છે.

દેશના આંકડાકીય બ્યુરોના ડેટા અનુસાર, 2013 અને 2023 ની વચ્ચે, પુરુષો દ્વારા હત્યાના કેસોમાં 16 ટકાનો ઘટાડો થયો હતો, પરંતુ ઈજાના દરમાં 20 ટકાનો વધારો થયો હતો. તેવી જ રીતે જાતીય હિંસાના કેસોમાં 50 ટકાનો વધારો થયો છે. શોષણ અને અપહરણના કેસોમાં 18 ટકાનો વધારો થયો છે.

ઘણા નિષ્ણાતો આ માટે ન્યાય પ્રણાલીને પણ જવાબદાર માને છે. ઘણા કિસ્સાઓમાં એવું જોવા મળ્યું છે કે ઘરેલુ હિંસાના કારણે જેલમાં રહેલા વ્યક્તિએ જામીન મળ્યા બાદ પીડિતાની હત્યા કરી નાખી હોય.

2019 અને 2023 ની વચ્ચે આ પ્રકારના 20 હજારથી વધુ કેસ નોંધાયા હતા જ્યારે પુરુષોએ કોર્ટ દ્વારા તેમના પર લાદવામાં આવેલા નિયંત્રણોનું ઉલ્લંઘન કર્યું હતું.
આ 2015 થી 2019ના ચાર વર્ષની સરખામણીમાં 20 ટકાનો વધારો છે.
વિકસિત દેશોની સંસ્થા ઓર્ગેનાઈઝેશન ઓફ ઈકોનોમિક કોઓપરેશન એન્ડ ડેવલપમેન્ટ (OECD) નો અહેવાલ દર્શાવે છે કે 37 વિકસિત દેશોમાં મહિલાઓ સામે હિંસાના સરેરાશ કેસોની સંખ્યા 23 ટકા છે.
એટલે કે એક વર્ષમાં 23 ટકા મહિલાઓએ કોઈને કોઈ પ્રકારની હિંસાનો સામનો કરવો પડ્યો.

આ રિપોર્ટમાં ઓસ્ટ્રેલિયામાં પણ 23 ટકા હિંસા નોંધાઈ હતી.
સૌથી ખરાબ સ્થિતિ આર્જેન્ટિનામાં નોંધાઈ હતી, જ્યાં 42 ટકા મહિલાઓએ હિંસાનો સામનો કર્યો હતો, જ્યારે ઓસ્ટ્રિયા અને પોલેન્ડમાં હિંસાનો સામનો કરતી મહિલાઓની સરેરાશ સંખ્યા 13 ટકા હતી.

જો આપણે ભારત સાથે તેની સરખામણી કરીએ તો ગયા વર્ષના આંકડા દર્શાવે છે કે લગભગ 30 ટકા પરિણીત મહિલાઓ ઘરેલુ હિંસાનો ભોગ બને છે. નેશનલ ફેમિલી હેલ્થ સર્વે મુજબ, 2019 અને 2021 ની વચ્ચે, “29.3 ટકા પરિણીત મહિલાઓ 18 થી 49 વર્ષની વચ્ચે ઘરેલું હિંસાનો ભોગ બની હતી.” 31.3 ટકા ગર્ભવતી મહિલાઓએ ગર્ભાવસ્થા દરમિયાન શારીરિક હિંસા સહન કરી હતી