માર્કેટિંગ કંપનીઓ દ્વારા વારંવાર આવતા બિનજરૂરી માર્કેટિંગ કૉલ્સને રોકવા માટે લાવવામાં આવેલા ડુ નોટ ડિસ્ટર્બ નિયમનો કંપનીઓ દ્વારા ખુલ્લેઆમ ભંગ થઈ રહ્યો હોવાની વાત સામે આવી છે.

ડુ નોટ ડિસ્ટર્બ લિસ્ટ (DND લિસ્ટ)માં હોવા છતાં, લગભગ 90 ટકા લોકો ઉપર માર્કેટિંગ કોલ્સ આવી રહયા છે.
આ કૉલ્સ નાણાકીય સેવાઓ, રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સ અને અન્ય ઉત્પાદનો માટેના હોય છે.
એક સર્વે દરમિયાન આ વાત સામે આવી છે. મોટાભાગના લોકોએ કહ્યું કે તેઓ લગભગ દરરોજ સ્પામ કોલ્સ મેળવે છે.
લોકલસર્કલ દ્વારા કરવામાં આવેલા આ સર્વેક્ષણમાં બહાર આવ્યું છે કે માર્કેટિંગ કંપનીઓ ડીએનડીના નિયમથી બિલકુલ ડરતી નથી.

આ સર્વેમાં કંપનીએ 378 જિલ્લાના લગભગ 60 હજાર લોકો સાથે વાત કરી. તેમને 7 પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. એક પ્રશ્નના જવાબમાં, 90 ટકા લોકોએ કહ્યું કે તેમને દિવસમાં 1 થી 2 સ્પામ કોલ આવે છે. લગભગ 3 ટકા લોકોએ કહ્યું કે તેમને દરરોજ આવા 10 કોલ આવે છે. લોકો લગભગ 12 મહિનાથી વેચાણ, પ્રમોશન અથવા રોબોટ ફોન કૉલ્સ પ્રાપ્ત કરી રહ્યાં છે. તે તમામ ડીએનડી યાદીમાં નોંધાયેલા છે.

ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) છેલ્લા કેટલાક વર્ષોથી આવા હેરાન કરતા કોલ્સને ઘટાડવા માટે સતત પ્રયાસો કરી રહી છે. આમ છતાં ગ્રાહકોને કોઈ રાહત મળી નથી. લોકલ સર્કલ્સના ફાઉન્ડર સચિન ટાપરિયાએ જણાવ્યું હતું કે આ કોલ અલગ-અલગ નંબરો પરથી આવી રહ્યા છે. ફેબ્રુઆરી 2023માં કોઈપણ બ્રાંડ કે કંપની તરફથી આવતા કોલ 29 ટકા હતા. ફેબ્રુઆરી 2024માં આ આંકડો વધીને 36 ટકા થયો છે.
આમ,સર્વે દરમિયાન ખુલાસો થયો કે માર્કેટિંગ કંપનીઓ નિયમોનો છેડેચોક ભંગ કરી રહી છે જેનાથી લોકો પરેશાન થઈ ઉઠ્યા છે.