પશ્ચિમી મીડિયા દ્વારા અયોધ્યામાં શ્રી રામ મંદિર કવરેજ દરમિયાન પક્ષપાતી કવરેજને લઈ યુએસ, કેનેડા અને ઓસ્ટ્રેલિયામાં વિશ્વ હિન્દુ પરિષદની શાખાઓએ પોતપોતાના દેશોના પશ્ચિમી મીડિયાની ટીકા કરી છે અને સમાચાર સંસ્થાઓને વેબસાઈટ ઉપરથી આ પ્રકારના ન્યૂઝ આર્ટિકલ હટાવવા સાથે હિન્દૂ સમુદાય ની માફી માંગવા માંગ કરી છે.
VHP અમેરિકાએ હિન્દુઓ વિરુદ્ધ નફરત ફેલાવવા બદલ પશ્ચિમી મીડિયાની નિંદા કરી છે. તેમણે કહ્યું કે આવા સમાચારોએ તે દિવસનું મહત્વ ઓછું કરી દીધું છે.
VHP અમેરિકાએ વધુમાં કહ્યું કે, ‘અમે પૂછીએ છીએ કે આ સંસ્થાઓએ હિંદુ વિરોધીઓ દ્વારા આપવામાં આવેલા તથ્યોને કેમ જગ્યા આપી?’
આ સાથે તેણે પશ્ચિમી મીડિયા સંસ્થાઓને પણ માંગ કરી છે કે તેઓ તેમની વેબસાઈટ પરથી આવા સમાચાર હટાવે અને હિંદુ સમુદાયની માફી માંગે.
VHP કેનેડા અને ઓસ્ટ્રેલિયા દ્વારા પણ સમાન નિવેદનો જારી કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું, ‘દુનિયાભરના હિંદુ સમુદાયો શાંતિપ્રેમી અને પ્રગતિશીલ છે. તે ‘વસુધૈવ કુટુંબકમ’માં માને છે. આવા લેખોથી સમાજમાં હિન્દુ સમુદાય પ્રત્યે નફરત પેદા થઈ શકે છે. આ હિન્દુફોબિયાને પ્રોત્સાહન આપી શકે છે.
VHP ઓસ્ટ્રેલિયાએ પશ્ચિમી મીડિયાને દૂષિત અને બેજવાબદાર રિપોર્ટિંગ ગણાવી તેની નિંદા કરી છે. તેણે સરકાર અને ઓસ્ટ્રેલિયા પ્રેસ કાઉન્સિલને તેની સામે કડક પગલાં લેવાની માંગ કરી છે. VHP કેનેડાએ પણ માંગણી કરી છે કે સમાચાર લેખોને સુધારીને ફરીથી પ્રકાશિત કરવામાં આવે.