કેનેડા ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટ VFS ગ્લોબલને મેઇલ કરતા ટ્રાવેલ ઓપરેટર અને કર્મચારીઓની સંડોવણી બહાર આવી

કેનેડા હાઈકમિશનના એક ઈ-મેઈલથી કૌભાંડનો પર્દાફાશ
ક્રાઈમ બ્રાન્ચે VFSના 4 કર્મચારીઓ સામે ફરિયાદ

કેનેડા જવા ઇચ્છા 28 લોકો સાથે ઠગાઇ થઇ હોવાની ઘટનાએ ફરીથી એકવાર ઇમિગ્રેશન એજન્ટોમાં ચાલતી પોલંપોલને છતી કરી છે અને તેનો ભોગ વિદેશ જવાના સપના જોતા લોકોએ બનવું પડ્યું છે. આ વખતે Immigration, Refugees and Citizenship Canadaનું કામકાજ જોતી સંસ્થા VFS ગ્લોબલ જ વિવાદનું કેન્દ્ર બની છે. કંપનીના પૂર્વ અને વર્તમાન કર્મચારીઓની મીલીભગતને પગલે આ ઠગાઇ થઇ હોવાનું અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની FIR દ્વારા બહાર આવ્યું છે. જોકે આ ફરિયાદ ખુદ કંપનીના અમદાવાદ બ્રાન્ચ ખાતેના મેનેજર વ્યોમેશ ઠાકરે જ નોંધાવી છે.

કેનેડા હાઇકમિશનથી મળ્યો ઇમેઇલ અને ભાંડો ફૂટ્યો
વ્યોમેશ ઠાકરની ફરિયાદ પ્રમાણે કંપનીને ગત 5 જુલાઈએ અમદાવાદ ખાતેની VFS ઓફિસે કેનેડા હાઇકમિશન તરફથી એક ઈ-મેઈલ મળ્યો હતો. જેમાં ઇમિગ્રેશન વિભાગ એવા 28 લોકોના બાયોમેટ્રિક્સની જાણકારી વિભાગને મળી ગઇ છે જેમના હજુ અપોઇન્ટમેન્ટ લેટર પણ ઇશ્યુ કરાયા નહતા. કંપનીના ઓપરેશન મેનેજર દ્વારા અમદાવાદ ખાતેના VFS સેન્ટરના ડેટાબેઝમાં 28 વ્યક્તિઓના જરૂરી બાયોમેટ્રિક થયેલી છે તે બાબતે તપાસ કરતા આવા કોઈ નામો ડેટાબેઝમાં મળેલા ન હતા. જોકે કંપનીએ બ્રાન્ચ ખાતે વધુ તપાસ હાથ ધરી હતી અને સીસીટીવી ચેક કરતા VFS ઓફિસના ચાર કર્મચારીની સંડોવણી બહાર આવી હતી. VFSના સી.સી.ટી.વી કુટેજ ચેક કરતા કેટલાક લોકો વગર એપોઈન્ટમેન્ટે VFS સેન્ટરમાં પ્રવેશી બાયોમેટ્રિક આપતા હોવાનુ જાણવા મળ્યું હતું. VFS સેન્ટરના કર્મચારી મેલ્વીન ક્રીસ્ટી, સોહીલ સલીમભાઇ દિવાને કંપનીમાં કામ કરતા અન્ય કર્મચારીઓ મારફતે જુદા જુદા સમયે અને તારીખે 28 વ્યક્તિઓના બાયોમેટ્રિક લેટર વિના જ કરાવી નાખ્યા હતા. આ કૌભાંડમાં કંપનીનો પૂર્વ કર્મચારી મેહુલ ભરવાડ પણ સામેલ હોવાનું જણાઇ આવ્યું છે.

ટ્રાવેલ એજન્ટ પાસેથી રૂપિયા લઇ કરતા હતા છેતરપિંડી
ક્રાઇમ બ્રાન્ચે આ કર્મચારીઓની પૂછપરછ કરતા માલૂમ પડ્યું છે કે આ લોકો એક ચોક્કસ ટ્રાવેલ એજન્ટ પાસેથી રૂપિયા પડાવતા હતા અને એજન્ટ સાથેની મીલીભગતને પગલે સમગ્ર કૌભાંડ આચરતા હતા. સામાન્ય રીતે CANADA IRCC માં પ્રોસેસ થયા બાદ વિઝા અરજદારને બાયોમેટ્રીક માટે એક લેટર મોકલવામાં આવે છે. જો કે, VFS Global ના કેટલાંક કર્મચારીઓએ રૂપિયાની લાલચે ટ્રાવેલ એજન્ટ સાથે મળીને રૂપિયાની લાલચે અરજદારોની બાયોમેટ્રીકની ગેરકાયદેસર કાર્યવાહી કરી હતી.

કોણ કોણ છેતરપિંડીનો શિકાર બન્યા ?
સમગ્ર કૌભાંડમાં કુલ 28 જણા શિકાર બન્યા છે. જેમાંના કેટલાક નામો પણ સામે આવ્યા છે. આ છેતરપિંડીનો શિકાર થયેલા લોકોમાં, મનસુરી મોહંમદઅથર યાકુબભાઈ, ચૌધરી અક્ષયકુમાર રમેશભાઈ, મિસ્ત્રી ગ્રીષ્માબેન ભાવિકભાઈ, પટેલ નિધિ દર્શનકુમાર, પટેલ દર્શનકુમાર રાજેન્દ્રકુમાર, પટેલ રાહુલકુમાર મહેશભાઈ, પટેલ નીતિન પ્રભુભાઈ,પટેલ પલકબેન નીતિન, પટેલ મીત સુરેશકુમાર, ચૌધરી સેજલબેન અનિલકુમાર, ચૌધરી અનિલકુમાર અમૃતભાઈ, પટેલ શરદકુમાર દશરથભાઈ, પટેલ કોમલબેન શરદકુમાર, કાનાણી મોહંમદઅલી સાદીકઅલી, કાનાણી હિના મોહંમદઅલી, પારેખ સૌરીન વિષ્ણુભાઈ, પટેલ ખુશ વિનયભાઈ, પટેલ દિનેશકુમાર નટવરભાઈ, પટેલ સિદ્ધાર્થ રાકેશકુમાર, પટેલ હાર્દિક હસમુખભાઈ, પટેલ નીતિનકુમાર ઘનશ્યામભાઈ, પટેલ હેતલ નીતિનકુમાર, પટેલ રવિકુમાર ચમનલાલ, પટેલ અમૃતાબેન રવિકુમાર, પટેલ રવિભાઈ ચિનુભાઈ, પટેલ નિરાલી રવિભાઈ, ચૌધરી સૌરવકુમાર દિલીપકુમાર અને ચૌધરી મિત્તલબેન ભરતકુમારનો સમાવેશ થાય છે.

VFS ગ્લોબલ શું છે કાર્યપ્રણાલી ?
વ્યોમેશ ઠાકરને શંકા છે કે કેટલાક VFS કર્મચારીઓએ કંપનીની જાણકારી વગર ગ્રાહકોના બાયોમેટ્રિક્સ મેળવીને કેનેડા હાઈ કમિશનની વેબસાઈટ પર સબમિટ કર્યા હશે. VFS ગ્લોબલ વિશ્વની કેટલીક ઇમિગ્રેશન એજન્સીઓ માટે કામ કરે છે. જ્યાં તેઓ અરજદારના ડોક્યુમેન્ટ્સનું વેરિફિકેશન તથા ડોક્યુમેન્ટ્સની લેવડદેવડનું કામ કાજ સંભાળતા હતા. આ ઉપરાંત હાઈ કમિશનના નિર્ણય બાદ પાસપોર્ટને એપ્લિકન્ટ્સ સુધી પણ તેઓ પહોંચાડે છે જેની ફી પણ તેઓ અરજદાર પાસેથી લેતા હોય છે.