તિરંગાના શણગારથી મહાદેવજી પણ આઝાદીના અમૃત મહોત્સવમાં થયા લીન

નમસ્કાર ગુજરાત ન્યૂઝ
સમગ્ર દેશ આઝાદીના અમૃત મહોત્સવ અને હર ઘર તિરંગાની ઠેર-ઠેર ઉજવણી કરી રહ્યો છે ત્યારે મંદિરો પણ કેમ બાકાત રહી જાય. વલસાડના ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતેના સિદ્ધેશ્વર મહાદેવ ખાતે બજરંગ યુવક મંડળના સભ્યો દ્વારા સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આમ મંદિર ધર્મભક્તિ અને દેશભક્તિનું સંગમ સ્થળ બન્યું હતું

લોકોને થયો શિવભક્તિ સાથે દેશભક્તિનો અવિસ્મરણીય અનુભવ

આશરે 500 જેટલા ભાવિક ભક્તોએ શિવભક્તિ સાથે દેશભક્તિનો અનુભવ કર્યો હતો. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આહ્વાન કર્યું હતું કે હર ઘર તિરંગાની ઉજવણી કરવામાં આવે. આ જ આદેશના માનમાં મંડળના યુવકોએ સિદ્ધેશ્વર મહાદેવને આઝાદીના રંગથી શણગાર્યા હતા. સ્થાનિકોના સહયોગથી દર્શને આવતા ભક્તોને ભક્તિ સાથે દેશભક્તિનો અવિસ્મરણીય અનુભવ લોકોને અપાયો હતો.

મહાદેવના શિવલિંગ પર કેસરી, સફેદ અને લીલા રંગનુ ત્રિપુંડ કરી ને શણગારવામાં આવ્યા હતા. તમામ ભક્તોએ કહ્યું હતું કે કપાળ પર મહાદેવનું પ્રિય ત્રિપુંડ હોય. પરંતુ જ્યારે આ ત્રિપુંડ ભારતના ત્રિરંગાના રંગોથી કરવામાં આવે છે ત્યારે ભક્તોને શિવભક્તિની સાથે દેશભક્તિનો અવિસ્મરણીય અનુભવ થયો છે. આ ત્રિપુંડ હંમેશા તેમને દેશભક્તિની ભાવના સાથે જોડીને રાખશે. સિદ્ધેશ્વર મહાદેવમાં ભક્તો દ્વારા જય સિદ્ધેશ્વર અને હર હર મહાદેવની સાથે વંદે માતરમ, ભારત માતા કી જયના નારા લગાવાયા હતા. ભક્તોએ સિદ્ધેશ્વર મહાદેવ સાથે સેલ્ફી લેવાની સાથે વીડિયો પણ લીધા હતા, જે વલસાડમાં વિવિધ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા.