લોકસભા ચૂંટણીની જાહેરાત થઇ ચુકી છે,ભાજપ હવે ત્રીજી યાદી જાહેર કરે તે પહેલાં કોંગ્રેસના બે ઉમેદવારે ભાજપનું ટેંશન વધાર્યું છે.
એક તરફ કોંગ્રેસના વલસાડના અનંત પટેલ અને બનાસકાંઠાના ગનીબેન ઠાકોર તરફી માહોલ જોવા મળી રહ્યો છે અને વડોદરામાં રંજનબેન ભટ્ટ વિરુદ્ધ ખુદ ભાજપમાં જ ડખ્ખા શરૂ થતાં ભાજપની મુશ્કેલી વધી છે અને હવે ભાજપની આગળની રણનીતિ શુ હશે તેતો સમય કહેશે પણ હાલ જે રીતે ચૂંટણી અગાઉ આ ત્રણ જગ્યાએ જે વાતાવરણ ઉભું થયું છે તેનાથી ભાજપમાં ટેંશન જરૂર જોવા મળી રહ્યું છે.
પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હીમાં ચૂંટણી સમિતિની બેઠકમાં ગુજરાતના દાવેદારોનાં નામો અંગે ચર્ચા કરી ચુક્યા છે જે મુજબ આગામી ત્રીજી યાદી ડિકલેર થશે પણ લોકસભા ચૂંટણી અગાઉ ગુજરાત ભાજપમાં અસંતોષનો ઉકળતો ચરુ જોવા મળી રહયો છે તે ખાળવા ભાજપને કેટલાક પગલાં ભરે તેવી અટકળો વચ્ચે વડોદરામાં રંજનબેન ભટ્ટને ત્રીજીવાર ટીકીટ મળતા જ વડોદરા ભાજપમાં જૂથવાદ જોવા મળ્યો છે.
વડોદરાનાં પૂર્વ મેયર જ્યોતિબેન પંડ્યાની નારાજગી બાદ કેતન ઇનામદારે કરેલા રાજકીય ડ્રામાને કારણે વડોદરા લોકસભા ઉમેદવાર મુદ્દે હોબાળો મચેલો છે જ્યારે
બનાસકાંઠા અને વલસાડ બેઠકના ઉમેદવાર મુદ્દે ભાજપ માટે અવઢવની સ્થિતિ છે.
અનંત પટેલ હાલ સભાઓમાં જે રીતે ભીડ ભેગી કરી રહયા છે તે જોતા ભાજપ માટે અહીં અઘરી સ્થિતિ છે.
વલસાડ સીટ પર ભાજપે ધવલ પટેલને ઉતાર્યા છે, પરંતુ હવે તે અહીં નવો ચહેરો છે તેઓના સ્થાને કોઈ સ્થાનિકને તક આપી હોતતો અલગ માહોલ હોત તેવું રાજકીય વર્તુળોમાં ચર્ચા છે. જ્યારે તેની સામે કોંગ્રેસના અનંત પટેલ વારંવાર ધવલ પટેલ સ્થાનિક ન હોવાની વાતને મુદ્દો બનાવી પ્રચાર શરૂ કર્યો છે.
મહત્વનું છે કે મૂળ નવસારી જિલ્લાના ઝરી ગામના વતની ધવલ પટેલ છેલ્લાં 30 વર્ષથી સુરતમાં રહે છે અને પ્રચાર દરમિયાન પોતે વલસાડના જમાઈ હોવાનું જણાવી રહયા હોય લોકો અનંત પટેલ તરફી જોવા મળી રહયા છે.

તેજ રીતે બનાસકાંઠા લોકસભાની બેઠકની સ્થિતિ છે.
અહીંભાજપના રેખાબેન ચૌધરી સામે કોંગ્રેસે ગનીબેન ઠાકોરને ટીકીટ આપી છે.
રેખાબેન ચૌધરીનો પરિવાર ભલે ભાજપમાં વર્ષોથી સક્રિય હોય અને બનાસ ડેરી અને શંકર ભાઈ ચૌધરીનો સપોર્ટ હોય પણ અહીં જાતિગત સમીકરણો ભાજપને ભારે પડે તેમ છે.
ગેનીબેન આ લોકસભામાંથી કોંગ્રેસના ધારાસભ્ય અને મજબૂત ઉમેદવાર છે. જેમને એકવાર શંકરભાઈ ચૌધરીને પણ હરાવ્યા છે. ગેનીબેનને હરાવી 5 લાખની લીડથી જીતવું અહીં ભાજપ માટે ખુબજ અઘરું છે.
ભાજપને અહીં ઠાકોર સમાજના મત મળી રહે એ જરૂરી છે નહીં તો તમામ સમીકરણો ખોરવાઈ જશે. ભાજપ અહીં ગેનીબેન ઠાકોરને હળવાશથી લઈ શકે એમ નથી કારણ કે ઉત્તર ગુજરાતમાં આજે પણ કોંગ્રેસની સ્થિતિ સાવ ખાડે ગઈ નથી.  
બનાસકાંઠામાં 1951થી લઈને 2019 સુધીમાં કુલ 19 વખત લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ 10 અને ભાજપે 6 વખત જીત મેળવી છે.
ત્યારે અહીં ગેનીબેન સામે પણ ભાજપના ઉમેદવારને જીતવું એટલું આસાન નહિ હોય આમ વલસાડ,બનાસકાંઠા અને વડોદરા બેઠક માટે ભાજપ મનોમંથન કરે તેવી શક્યતા જોવા મળી રહી છે.