ભાજપ મોવડીમંડળ આખરે 75 વર્ષીય યોગેશ પટેલ સામે ઝુક્યું, ફોર્મ ભરવાના દિવસે આખરે 182મી બેઠકનું કર્યું નામ જાહેર

ભારે જનમેદની સાથે યોગેશ પટેલે છેલ્લી ઘડીએ ફોર્મ ભર્યું

ભાજપ દ્વારા 182મી ટિકિટ જાહેર કરવામાં આવી છે. વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠક પર યોગેશ પટેલને ફરી ટિકિટ આપવામાં આવી છે. યોગેશ પટેલ સતત આઠમી વાર વિધાનસભાની ચૂંટણી લડશે. વડોદરા વિધાનસભાની ત્રણ બેઠકો હતી ત્યારે ધારાસભ્ય યોગેશ પટેલ 4 વખત રાવપુરા બેઠક ઉપરથી ચૂંટાઇ આવ્યા હતા. ત્યાર બાદ વડોદરાની પાંચ વિધાનસભા બેઠકો થયા બાદ તેઓ છેલ્લી બે ટર્મથી માંજલપુર બેઠક ઉપર ચૂંટાતા આવ્યા હતા. આ વખતે તેમની ટિકિટ કપાવવાની સંભાવના હતી જોકે યોગેશ પટેલે છેલ્લી ઘડી સુધી ટસના મસ થયા ન હતા અને આખરે ભાજપના મોવડી મંડળે 75 વર્ષીય યોગેશ પટેલ સામે ઝુકવું પડ્યું છે અને તેમના નામની જાહેરાત કરવી પડી છે.

ભારે જન મેદની સાથે યોગેશ પટેલની ભવ્ય રેલી રાવપુરા વિસ્તારમાં જોવા મળી હતી. જેમાં કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી, સાંસદ રંજનબેન ભટ્ટ સહિત અનેક નેતાઓ પણ રેલીમાં જોડાયા હતા. યોગેશ પટેલ ફોર્મ ભરતા કહ્યું હું સતત આઠમી વાર પણ ભવ્ય વિજય મેળવીશ.

યોગેશ પટેલને પૂછવામાં આવ્યું કે, ટિકિટ આપવામાં ઉંમરનો બાધ ન નડ્યો, જેના જવાબમાં કહ્યું હું શરીરે ફિટ છું, યુવાઓ ઘરમાં પુરાઈ રહે છે,  આજે પણ ક્રિકેટ રમું છું. શુ આગામી 2027 માં નવમી વાર પણ ચૂંટણી લડશો તેના જવાબમાં યોગેશ પટેલ એ કહ્યું શરીર સાથ આપે તો. કેટલા મોટા માર્જિનથી ચૂંટણી જીતશો ? તેના સવાલ માં કહ્યું કે મોટી જીત મેળવું તો બધાની નજર મારી બેઠક પર આવી જાય છે.

ગુજરાતમાં બે તબક્કામાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. ત્યારે રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. આજે પાંચમી ડિસેમ્બરે યોજાનારી 14 જિલ્લાની 93 બેઠકો માટે ઉમેદવારી ફોર્મ ભરવાનો આજે 17મી નવેમ્બરે છેલ્લો દિવસ છે.