આજે ઉત્તરાયણનું પર્વ ગુજરાત સહિત સમગ્ર દેશમાં ભારે હર્ષોલ્લાસ સાથે ઉજવાઈ રહ્યું છે,લોકો સવારથી જ ધાબા ઉપર પતંગ લઈ પરિવાર સાથે પતંગ ચગાવવાની મોજ લઈ રહયા છે,આજે ચીક્કી, તલના લાડવા, જલેબી,ઊંધિયું,ભુસુ વગરેની મોજ માણી રહયા છે રાત્રે અનેક અયોજનો થયા છે.
આજે ઉત્તરાયણ પર્વ ઉપર વડાપ્રધાન મોદીજીએ દેશવાસીઓને શુભકામનાઓ પાઠવી છે.

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ઉત્તરાયણ પર્વ ઉપર શુભકામનાઓ પાઠવી છે.

કેન્દ્રીય મંત્રી અમિત શાહે દેશવાસીઓને ઉત્તરાયણ પર્વની શુભેચ્છાઓ પાઠવી છે.

પતંગ રસિયાઓ માટે આજે પવન પણ સારો રહેવાની આગાહી છે. આજે ઉત્તર -પૂર્વ તરફનાં પવન રહેશે અને પવનની ગતિ 15 થી 20 કિમી પ્રતિ કલાકની રહેશે,પવનની દિશા ઉત્તરથી પૂર્વ તરફની રહેશે.
અંબાલાલ પટેલે ઉત્તરાયણની આગાહી કરતા જણાવ્યું છે કે, ઉતરાયણ પર્વ પર રાજ્યમાં સરેરાશ 8 થી 25 કિમી ઝડપે પવન ફૂંકાશે.
જોકે, મધ્ય ગુજરાતમાં સામાન્ય પવનથી પતંગબાજો નિરાશ થઈ શકે છે.
આજે ઉત્તરાયણને મકરસંક્રાંતિ પણ કહેવામાં આવે છે, આજના દિવસે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે અને એક સંક્રાંતિ અને બીજી સંક્રાંતિ વચ્ચેનો સમય સૌર માસ પણ કહેવાય છે.

આજે વહેલી સવારથી જ પતંગ રસીયાઓ ટેરેસ ઉપર પહોંચી ગયા છે.નાના મોટા સૌ લોકો મન મૂકીને પતંગ ચગાવી રહ્યા છે અને નાસ્તાની જયાફત ઉડાવવા સાથે એ કાઇપો છે…એ લપેટ…ની ચિચિયારીઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું છે.
રંગબેરંગી પતંગો, બલુનોથી આકાશ છવાઇ ગયું છે.
ધાબા ઉપર મ્યુઝિક સિસ્ટમના સથવારે ભારે હર્ષોલ્લાસ વચ્ચે પર્વની ઉજવણી કરી રહ્યા છે.


પોષ મહિનામાં સૂર્યનું ઉત્તરાયણ થાય છે અને મકર રાશિમાં પ્રવેશ કરે છે.

ધાર્મિક દ્રષ્ટિએ પણ મકર સંક્રાંતિનું ઘણું મહત્વ છે આજના દિવસે ગાયોને ઘૂઘરી,ઘાસચારો, કૂતરાને રોટલા ખવડાવવામાં આવે છે અને બ્રાહ્મણોને દાન તેમજ જરૂયાત મંદો ને મદદ કરી પુણ્ય કમાવાનો દિવસ પણ છે.
સમગ્ર દેશમાં ઉત્તરાયણ પર્વની ઉજવણી થઈ રહી છે બીજી તરફ આજના દિવસે દુર્ઘટનાઓ પણ બને છે જેમાં કાતિલ દોરીથી પક્ષીઓના મોત,રાહદારી કે વાહન ચાલકના ગળામાં દોરી ભરાઈ જતા ક્યારેક મોત થઈ જાય છે,ધાબા ઉપરથી નીચે પડતા મોત કે ઇજાગ્રસ્ત થવાની વ્યાપક ઘટનાઓ બનતી હોય છે ત્યારે દરેકને આ બાબતે ધ્યાન રાખવા જણાવાય છે અને પક્ષીઓ જ્યારે માળા માંથી બહાર જવાના અને સાંજે આવવાના સમયે પતંગ નહિ ઉડાડવા પણ અપીલ કરાય છે.