અરજીઓ બે વર્ષ પહેલાંની કે તેથી જૂની હશે તેઓ 1500થી 5000 ડોલર સુધીની પૂરક ફી ભરીને પીઆર મેળવી શકશે

એચવન બી વીસા ધરાવનારના સંતાનોને પણ કાયમી વસવાટની તક મળશે

વોશિંગ્ટન : છેલ્લા ઘણા વર્ષોથી અમેરિકાનું ગ્રીનકાર્ડ મેળવવા ઝંડી રહેલા ભારતીયોને નજીકના ભવિષ્યમાં ગ્રીનકાર્ડ મળી જાય તેવી શક્યતા ઉભી થઇ છે. એમ્પ્લોઇમેન્ટ આધારિત ગ્રીનકાર્ડ મેળવવા માટે જે લોકોની અરજીઓ જૂના બેકલોગમાં ફસાઇ ગઇ છે તેઓને 100 ડોલરથી માંડીને 5000 ડોલર સુધીની પૂરક ફી ભરીને સરકાર ગ્રીનકાર્ડ આપવા વિચારી રહી છે. 

આ અંગેનો ખરડો અમેરિકાની સંસદમાં દાખલ કરવાના ચક્રો પણ ગતિમાન થઇ ગયા છે. જો આ ખરડો કોંગ્રેસના બંને ગૃહોમાં પસાર થઇ જાય અને કાયદો બની જાય તો એમ્પ્લોઇમેન્ટ આધારિત વર્ક પરમીટ ધરાવનારા હજારો વિદેશીઓ અને ભારતીયોને ગ્રીનકાર્ડ મળી શકે છે. ઉલ્લેખનીય છે કે અમેરિકામા મોટા ભાગના આઇટી પ્રોફેશ્નલ એમ્પ્લોઇમેન્ટ આધારિત વર્ક પરમીટ લઇને બાદમાં ગ્રીનકાર્ડ માટે અરજી કરતાં હોય છે, પરંતુ આ કેટેગરીમાં ગ્રીનકાર્ડ કરનારા લોકોની સંખ્યા એટલી હદે વધી ગઇ છે કે અરજીઓનો બેકલોગ ખુબ મોટો થઇ ગયો છે, તેથી સરકાર પૂરક ફી લઇને ગ્રીનકાર્ડ આપવાની દિશામાં આગળ વધી રહી છે. ગ્રીનકાર્ડ એક એવો દસ્તાવેજ છે જેને ધરાવનાર કોઇપણ વિદેશીને કાયમ માટે અમેરિકામાં રહેવાની મંજૂરી આપવામાં આવે છે.

અમેરિકન કોંગ્રેસની પ્રતિનિધિ સભાની જ્યુડિશિયરી કમિટિ દ્વારા જારી કરાયેલા સરકારી દસ્તાવેજ મુજબ છેલ્લા બે વર્ષ કે તે પહેલાથી ગ્રીનકાર્ડ માટે અરજી કરી હોય તે લોકોની પાસેથી 5000 ડોલર સુધીની પૂરક ફી લઇને તેઓને ગ્રીનકાર્ડ આપી શકાય તેમ છે. ઇબી-5 (વસાહતી રોકાણકાર) કેટેગરી માટે જો કે પૂરક ફીની રકમ 50,000 ડોલર નક્કી કરાઇ છે. અમેરિકાના નાગરિક દ્વારા સ્પોન્સર કરાયેલા ફેમિલી આધારિત ઇમિગ્રન્ટે ગ્રીનકાર્ડ માટે બે વર્ષ કે તે પહેલાં અરજી કરી હશે તેઓને 2500 ડોલરની પૂરક ફી ભરવાની રહેશે જ્યારે જે અરજદારની પ્રાયોરિટી (અગ્રીમતા) તારીખ બે વર્ષની સમય મર્યાદામાં ન હોય પરંતુ તેને અમેરિકામાં હાજર હોવુ ફરજિયાત હોય તો તેઓને 1500 ડોલરની પૂરક ફી ભરવાની રહેશે.

સીબીએસ ન્યૂઝ ઉપર પ્રસારિત થયેલા અહેવાલ મુજબ જો આ દરખાસ્ત કાયદાનું સ્વરૂપ લેશે તો બાળક તરીકે અમેરિકામાં પ્રવેશેલા, ખેતરોમાં કામ કરવા આવેલા વિદેશી, કોરોના મહામારીમાં આવશ્યક કર્મચારી તરીકે આવેલા લોકો પણ ગ્રીનકાર્ડ મેળવવા માટે  અરજી કરવાને પા6 બનશે. અલબત્ત આ દરખાસ્ત કાયદાનું સ્વરૂપ ધારણ કરે તે પહેલાં તેને જ્યુડિશિયરી કમિટિમાંથી પસાર થવાનું રહેશ, ત્યારબાદ પ્રતિનિધિ સભા અને બાદમાં સેનેટ, અર્થાત અમેરિકાની કોંગ્રેસ (સંસદ)ના બંને ગૃહોમાં બહુમતીથી પસાર થાય અને છેલ્લે રાષ્ટ્રપતિ તેના ઉપર હસ્તાક્ષર કરે ત્યારે તે કાયદો બનશે. અલબત્ત બાઇડેન સરકાર આ દરખાસ્તનમે કાયદાનું સ્વરૂપ આપવાનું વલણ ધરાવતી હોવાથી તે કાયદો બને એવા તમામ સંજોગો ઉજળા દેખાઇ રહ્યા છે.