મધ્ય પૂર્વમાં શાંતિ પુનઃસ્થાપિત થશે, કતારે એરસ્પેસ ફરી ખોલ્યું; ટ્રમ્પે બંને દેશોના સાહસની પ્રશંસા કરી, ઇરાન-ઇઝારાયેલ સત્તાવાર કરશે એલાન

વૉશિંગ્ટન ડી.સી.: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે સંપૂર્ણ અને અંતિમ યુદ્ધવિરામ પર સહમતિ બની ગઈ છે. આ જાહેરાત સાથે જ મધ્ય પૂર્વમાં ફરીથી શાંતિ સ્થપાશે એવી આશા સેવાઈ રહી છે. કતારે પણ પોતાના એરસ્પેસને ફરીથી ખોલી દીધું છે.

રાષ્ટ્રપતિ ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ’ પર પોસ્ટ કરીને જણાવ્યું કે, “તમામ ને અભિનંદન! ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે સંપૂર્ણ અને અંતિમ યુદ્ધવિરામ પર સહમતિ બની ગઈ છે. યુદ્ધવિરામ છ કલાકની અંદર શરૂ થશે અને ઈરાનને પહેલા તેનું પાલન કરવું પડશે. ઈરાન દ્વારા યુદ્ધવિરામનું પાલન કર્યા બાદ, આગામી 12 કલાક પછી ઈઝરાયેલ પણ યુદ્ધવિરામમાં જોડાશે. 24 કલાક બાદ યુદ્ધને ઔપચારિક રીતે સમાપ્ત માનવામાં આવશે.”

ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન અને ઈઝરાયેલની સહનશક્તિ, હિંમત અને બુદ્ધિની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે આ યુદ્ધ વર્ષો સુધી ચાલી શક્યું હોત, જેનાથી મધ્ય પૂર્વ તબાહ થઈ શક્યું હોત, પરંતુ આવું થયું નથી અને ક્યારેય થશે પણ નહીં.

કતાર હુમલા પહેલા ટ્રમ્પ પ્રશાસનને ઈરાનની જાણકારી
ટ્રમ્પે એ પણ જણાવ્યું કે, ઈરાને કતરમાં અમેરિકી એરબેઝ પર હુમલો કરતા પહેલા ટ્રમ્પ પ્રશાસનને જાણકારી આપી હતી, જેના કારણે કોઈ જાનહાનિ થઈ ન હતી. તેમણે ઉમેર્યું, “ઈશ્વર ઈરાન પર કૃપા કરે, ઈશ્વર ઈઝરાયેલ પર કૃપા કરે, ઈશ્વર મધ્ય પૂર્વ પર કૃપા કરે, ઈશ્વર અમેરિકા પર કૃપા કરે અને ઈશ્વર સમગ્ર વિશ્વ પર કૃપા કરે.”

તેમણે કહ્યું કે, ઈરાનના પરમાણુ ઠેકાણાઓને અમેરિકાએ નષ્ટ કર્યા. કોઈ અમેરિકી નાગરિકનું મૃત્યુ ન થવું અને લાંબા યુદ્ધથી બચી જવું એ તેમના માટે મોટી જીત છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે તેમના પિતા (ડોનાલ્ડ ટ્રમ્પ) ક્યારેય અમેરિકાને લાંબા યુદ્ધમાં ઝંપલાવવા માંગતા નથી અને તેમનો અંતિમ ઉદ્દેશ્ય હંમેશા શાંતિ રહ્યો છે. “અમેરિકા ફર્સ્ટ!”

ઉલ્લેખનીય છે કે, ટ્રમ્પે યુદ્ધવિરામની જાહેરાત ત્યારે કરી છે જ્યારે ઈરાને સોમવારે કતારની રાજધાની દોહામાં સ્થિત અમેરિકી સૈન્ય અડ્ડા પર 14 મિસાઈલો છોડી હતી. જોકે, આ મિસાઈલ હુમલાઓથી અમેરિકાને નહિવત નુકસાન થયું હતું અને આ હુમલામાં કોઈ અમેરિકી નાગરિકનું મૃત્યુ થયું નથી કે કોઈ ઘાયલ થયું નથી.

આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રોયટર્સ અનુસાર, ઈરાનના એક વરિષ્ઠ અધિકારીએ પુષ્ટિ કરી છે કે તેહરાન ઈઝરાયેલ સાથે યુદ્ધવિરામ માટે સહમત થઈ ગયું છે. કતારની મધ્યસ્થી અને અમેરિકા દ્વારા પ્રસ્તાવિત ઈઝરાયેલના યુદ્ધવિરામને લઈને તેહરાન રાજી છે.

રોયટર્સના રિપોર્ટ અનુસાર, વ્હાઇટ હાઉસના એક અધિકારીએ જણાવ્યું છે કે ઈઝરાયેલે પણ ઈરાન સાથે યુદ્ધવિરામ પર સહમતિ દર્શાવી છે, જોકે શરત એ છે કે ઈરાન હવે તેલ અવીવ પર કોઈ હુમલો ન કરે. વ્હાઇટ હાઉસના અધિકારીએ એ પણ જણાવ્યું કે ઈરાન-ઈઝરાયેલ વચ્ચે યુદ્ધવિરામ શક્ય બનાવવા માટે અમેરિકી પ્રતિનિધિ વેન્સ, માર્કો રુબિયો અને દૂત વિટકોફે ઈરાનના અધિકારીઓ સાથે વાતચીત કરી હતી.

આ હુમલાઓ અંગે ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખામેનેઈએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક તસવીર પોસ્ટ કરીને પ્રતિક્રિયા આપી હતી, જેમાં યુદ્ધગ્રસ્ત ક્ષેત્ર અને સળગતા અમેરિકી ધ્વજની તસવીર હતી. ખામેનેઈએ પોસ્ટમાં લખ્યું, “અમે હુમલામાં કોઈને નુકસાન પહોંચાડ્યું નથી. અમે કોઈ દ્વારા કરવામાં આવેલી જ્યાદતીને બરદાસ્ત કરીશું નહીં. ઈરાન આત્મસમર્પણ કરનાર રાષ્ટ્ર નથી. જે ઈરાનના લોકો અને ઈરાનના ઇતિહાસને જાણે છે, તેઓ આને સારી રીતે જાણે છે.”