ભારત આવી રહેલા જાપાનની માલિકીના ઇઝરાઈલના વેપારી જહાજ ઉપર ગુજરાતના વેરાવળથી 200 કીમી(120 માઈલ) હિન્દ મહા સાગરમાં થયેલો ડ્રોન હુમલો ઇરાને કર્યો હોવાનો દાવો અમેરિકી રક્ષા મંત્રાલય પેન્ટાગોને કર્યો છે.
અગાઉ એવું માનવામાં આવતું હતું કે આ હુમલો હુથી વિદ્રોહીઓ દ્વારા કરવામાં આવ્યો હશે કારણ કે છેલ્લા ઘણાજ સમયથી હુથી વિદ્રોહીઓ અરબી સમુદ્ર અને હિંદ મહાસાગરમાં ઘણા જહાજોને નિશાન ચુક્યા છે, જોકે,અમેરિકાએ દાવો કર્યો છે કે આ હુમલો ઈરાન દ્વારા કરવામાં આવ્યો છે.

તમને જણાવી દઈએ કે જહાજના ઓઈલ ટેન્કર પર હુમલો શનિવારે સવારે લગભગ 10 વાગ્યે થયો હતો જહાજમાં સવાર તમામ ક્રૂ મેમ્બરો સલામત છે, જેમાં લગભગ 20 ભારતીયોનો સમાવેશ થાય છે.
ડ્રોન હુમલાના કારણે જહાજના ટેન્કરમાં આગ લાગી હતી પરંતુ તે સમયસર બુઝાવી દેવાતા કોઈ મોટું નુકસાન થયું ન હતું.
જ્યારે ટેન્કર પર હુમલો કરવામાં આવ્યો ત્યારે તે ભારતીય તટ ગુજરાતથી લગભગ 120 નોટિકલ માઈલ દૂર હતું.
હુમલાની માહિતી મળતા જ ભારતીય નૌકાદળે તેને રક્ષણ આપ્યુ હતું અને તરતજ એક વિમાન રવાના કર્યુ હતું. ટેન્કરની સુરક્ષા માટે ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજ ICGSને પણ મોકલવામાં આવ્યું હતું.

પેન્ટાગોને જણાવ્યું હતું કે એમવી કેમ પ્લુટો જહાજ લાઇબેરીયન ધ્વજ હેઠળ કાર્યરત હતું પરંતુ તે જાપાની કંપનીની માલિકીનું હતું.
નોંધનીય છે કે એક મેરીટાઇમ સિક્યોરિટી ફર્મનો દાવો છે કે જે જહાજ પર હુમલો કરવામાં આવ્યો તે ઈઝરાયેલનું હતું અને તે સાઉદી અરેબિયાથી ભારત આવી રહ્યું હતું. વાસ્તવમાં, જે કંપની આ જહાજનું સંચાલન કરી રહી છે તે ઈઝરાયેલના શિપિંગ ટાયકૂન ઈદાન ઑફર સાથે સંબંધિત છે.
તમને જણાવી દઈએ કે ગયા મહિને પણ ઈઝરાયેલના જહાજ પર હુમલો કરવામાં આવ્યો હતો.
હકીકતમાં, જ્યારથી ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ શરૂ થયું છે, ત્યારથી લાલ સમુદ્ર વિસ્તારમાં માલવાહક જહાજો અને તેલના ટેન્કરો પર હુમલાની વધુ ઘટનાઓ બની છે. હુથી બળવાખોરોએ આ સમયગાળા દરમિયાન 35 વિવિધ દેશોના માલવાહક જહાજો અને તેલ ટેન્કરોને નિશાન બનાવીને 100 થી વધુ ડ્રોન હુમલા કર્યા છે.