ઉત્તર પ્રદેશનો માફિયા ગણાતો અને હાલમાં બાંદા જેલમાં સજા હેઠળ રહેલા પૂર્વ ધારાસભ્ય મુખ્તાર અંસારીનું કાર્ડિયક એરેસ્ટથી મોત થઇ જતા સમગ્ર ઉત્તર પ્રદેશમાં ભારે ચકચાર મચી છે.
કહેવાય છે કે મુખ્તારને ઉલ્ટી થઇ ત્યારબાદ તે બેહોશ થઈ જતા તેને રાની દુર્ગાવતી મેડિકલ કૉલેજમાં ઈમરજન્સી વૉર્ડમાં સારવાર માટે એડમિટ કરાયો હતો.
જ્યાં 9 જેટલા ડૉક્ટરની ટીમે તાત્કાલિક સારવાર આપી તેને બચાવવા પ્રયાસો કર્યા પણ તેને બચાવી શકાયો ન હતો અને કાર્ડિયક એરેસ્ટથી તેનું મોત થઇ ગયું હતું.

આ પહેલા મંગળવારે મુખ્તારના પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે જેલ તંત્ર દ્વારા તેને ધીમું ઝેર અપાઈ રહ્યું છે અને મુખ્તારે પણ પોતાને ધીમુ ઝેર અપાઈ રહ્યાનો હોવાનો આક્ષેપ કર્યો હતો. 
ગયા મંગળવારે પણ મુખ્તારની તબિયત બગડી હતી ત્યારે તેને રાની દુર્ગાવતી મેડિકલ કૉલેજમાં લઈ જવાયો હતો.
જ્યાં તેને આઈસીયુમાં રાખી 14 કલાક સારવાર કરાઈ હતી જેમાં મેડિકલ ચેકઅપ થયું હતું અને મુખ્તાર અંસારીના પેટના એક્સરે તેમજ બ્લડ સેમ્પલ લેવાયા હતું. રિપોર્ટમાં તેનું સુગર, સીબીસી, એલએફટી (લિવર ફંકશન ટેસ્ટ), ઈલેક્ટ્રોલાઈટ (સોડિયમ, પોટેશિયમ, કૈલ્શિયમ)ની તપાસ કરાઈ હતી. રિપોર્ટ આવ્યા બાદ તેને હોસ્પિટલમાંથી રજા આપી ફરી જેલમાં લઇ જવાયો હતો.
મુખ્તાર અંસારી રોઝો રાખતો હતો. ગતરોજ ગુરુવારે રોજા રાખ્યા બાદ તેની અચાનક તબીયત લથડી હતી.

મુખ્તારના મોત બાદ બાંધામાં પોલીસ બંદોબસ્ત ગોઠવવા સાથે રાજ્યના તમામ જિલ્લાઓમાં સુરક્ષામાં વધારી દેવાઈ છે.
લખનઉ, કાનપુરથી લઈને મઉ, ગાઝીપુર તમામ જિલ્લાના પોલીસ અધિકારીઓને સુરક્ષા વધારવા આદેશ અપાયો છે. સંવેદનશીલ વિસ્તારોમાં પણ પોલીસ ફોર્સ તહેનાત કરવા અને પેટ્રોલિંગ વધારવા આદેશ કરી દેવાયો છે.

મુખ્તારનો પરિવાર તેને મળવા મંગળવારે મેડિકલ કૉલેજ આવ્યો ત્યારે તેના સાંસદ ભાઈ અફઝલ અંસારીને જ મુખ્તારને મળવા દેવાયો હતો.
મુખ્તારના પુત્ર ઉમર અંસારીએ સ્થાનિક તંત્ર અને સરકાર દ્વારા તેના પિતાને મારવાનો પ્રયાસ કરી રહી હોવાના આક્ષેપ કર્યા હતા.

ઉત્તર પ્રદેશમાં ખુંખાર માફિયા અતીક અહેમદ બાદ માફિયામાંથી રાજનેતા બનેલા મુખ્તાર અન્સારી પણ કુખ્યાત નામ હતુ.
મુખ્તાર અંસારી 2021થી બાંદા જેલમાં બંધ હતો અને મુખ્તાર વિરુદ્ધ યુપી ઉપરાંત પંજાબમાં પણ કેસ નોંધાયેલા છે, 1987માં મુખ્તાર પર પહેલીવાર હત્યાનો આરોપ લાગ્યો હતો.
સોપારી લઈ મર્ડર કરવાના ગુનાની દુનિયામાં મુખ્તારની આ પહેલી એન્ટ્રી હતી. મુખ્તાર અંસારી સામે કુલ 65 જેટલા કેસ દાખલ હતા.
2005માં સમગ્ર દેશમાં મુખ્તાર અંસારીનું નામ ચર્ચામાં આવ્યું હતું,  બીજેપી ધારાસભ્ય કૃષ્ણાનંદ રાયની હત્યામાં પણ તેનું નામ સામે આવ્યું હતુ

ઉત્તર પ્રદેશ લાવવામાં આવ્યા બાદ જુદા-જુદા આઠ કેસમાં તેને સજા થઈ હતી.
13 માર્ચના રોજ તેને ખોટા દસ્તાવેજોના આધારે આર્મ્સ લાયસન્સ મેળવવાના ગુનામાં આજીવન કેદની સજા સંભળાવવામાં આવી હતી. તે અગાઉ એપ્રિલ, 2023માં એક અપહરણ અને હત્યાના કેસમાં તેને કોર્ટે દોષી ઠેરવીને 10 વર્ષની સજા ફટકારતા જેલમાં બંધ હતો.

મુખ્તાર ને આ કેસમાં સજા થઈ હતી.

●21.09.2022 ના રોજ લખનૌમાં એક કેસમાં મુખ્તારને સાત વર્ષની જેલ અને 37 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

●23.09.2022 ના રોજ અન્ય એક કેસમાં લખનૌ કોર્ટે 5 વર્ષની જેલ અને 50 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.

●15.12.2022 ના રોજ ગાઝીપુરમાં 10 વર્ષની જેલ અને 5 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

●29.04.2023 ના રોજ ગાઝીપુર કોર્ટે 10 વર્ષની જેલ અને 5 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.

●05.06.2023 ના રોજ વારાણસી કોર્ટે તેને આજીવન કેદ અને 1 લાખ રૂપિયાના દંડની સજા ફટકારી હતી.

●27.10.2023 ના રોજ ગાઝીપુર કોર્ટે તેને 10 વર્ષની જેલ અને 50,000 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.

●15.12.2023 ના રોજ વારાણસી કોર્ટે 5 વર્ષ 6 મહિનાની જેલ અને 10,000 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.

●13.03.2024 ના રોજ વારાણસી કોર્ટે નકલી હથિયાર લાયસન્સ કેસમાં તેને આજીવન કેદ અને 2 લાખ રૂપિયાના દંડની સજા ફટકારી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે મુખ્તાર અંસારી સામે નોંધાયેલા 65 કેસમાંથી 21 કેસ વિવિધ અદાલતોમાં પેન્ડિંગ છે. મુખ્તારને કોર્ટે આઠ કેસમાં સજા ફટકારી હતી. જેની સજા તે જેલમાં કાપી રહ્યો હતો.