લતા મંગેશકર અડધા ગુજરાતી હતા, તેમના પિતાએ ગુજરાતી યુવતી સાથે કર્યા હતા લગ્ન, જાણો સંપૂર્ણ કહાની

સ્વર સામ્રાજ્ઞી લતા મંગેશકરનો જન્મ 28 સપ્ટેમ્બર 1929ના રોજ મધ્ય પ્રદેશના ઇન્દોરમાં થયો હતો. તેમના પિતા પંડિત દીનાનાથ મંગેશકર થિયેટર આર્ટિસ્ટ તથા ગાયક કલાકાર હતા અને તેમણે બે લગ્ન કર્યા હતા. મહારાષ્ટ્ર અને ગુજરાત જ્યારે એક હતા ત્યારે દિનાનાથના લગ્ન તાપી નદીના કિનારે આવેલા થલનેર ગામમાં થયો હતો. તેમના પિતા જમીનદાર અને ગામમાં તેમનો એક અલગ જ મોભો હતો. તેમની દિકરી નર્મદા સાથે દિનાનાથના લગ્ન થયા હતા પરંતુ ચાર વર્ષના લગ્ન જીવન બાદ નર્મદા બેનનું અવસાન થયું હતું.
નર્મદા બેન અને દિનાનાથને એકપણ સંતાન નહતા અને તેમના બહેન સેવંતી સાથે દિનાનાથના બીજા લગ્ન થયા હતા. લગ્ન બાદ સેવંતીબેનનું નામ બદલીને સુધામતી રાખવામાં આવ્યું હતું. દીનાનાથ અને સુધામતીને પાંચ બાળકો છે, ચાર પુત્રીઓ લતા, મીના, આશા, ઉષા અને એક પુત્ર હૃદયનાથ. જોકે લતાદીદીને નાની ઉંમરે જ સમગ્ર પરિવારની જવાબદારી સંભાળવી પડી હતી.

પ્રથમવાર ગીતા ગાવા માટે 25 રૂપિયા મળ્યા હતા
લતાજીને નાનપણથી જ ગાવાનો શોખ હતો. સંગીતમાં પહેલેથી જ તેઓ રસ ધરાવતાં હતાં.લતાજીએ પહેલી વાર જ્યારે સ્ટેજ પર ગીત ગાયું ત્યારે તેમને 25 રૂપિયા મળ્યા હતા. તેઓ આ પૈસાને પોતાની પહેલી કમાણી માનતા હતા. લતાના ભાઈ હૃદયનાથ, બહેનો ઉષા, મીન તથા આશા મંગેશકરે પણ મ્યૂઝિકમાં જ કરિયર બનાવી છે. લતાએ 13 વર્ષની ઉંમરમાં 1942માં મરાઠી ફિલ્મ ‘પહલી મંગલાગૌર’માં ગીત ગાયું હતું. 1947માં હિંદી ફિલ્મ ‘આપકી સેવા’થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. તેમણે 36 ભાષાનાં 50 હજારથી વધુ ગીતો ગાયાં હતાં.

એક સમયે લતાદીદીનો અવાજ થયો હતો રિજેક્ટ


શું તમને માન્યામાં આવે છે કે લતા દીદી કે જેમનો અવાજ તેમની ઓળખાણ છે તે અવાજને ફિલ્મ પ્રોડ્યુસર શશધર મુખર્જીએ રિજેક્ટ કર્યો હતો. સંગીતકાર ગુલામ હૈદરે 18 વર્ષીય લતાદીદીને શશધરને મળાવ્યા હતા અને શશધરે એમ કહ્યું હતું કે તેમનો અવાજ ઘણો પાતળો છે. જોકે ગાયક મુકેશ સાથે જ્યારે લતાદીદીને ગાવાની તક મળી ત્યારે શશધરે જ સ્વીકાર્યું હતું કે તેમણે મોટી ભૂલ કરી નાખી છે. પછી ગુલામ હૈદરે ‘મજબૂર’ ફિલ્મના ગીત ‘અંગ્રેજી છોરા ચલા ગયા..’થી ગાયક મુકેશ સાથે ગાવાની તક આપી હતી. ત્યારબાદ શશધરે પોતાની ભૂલ માની અને ‘અનારકલી’, ‘જિદ્દી’ જેવી ફિલ્મમાં લતાજી પાસે ગીતો ગવડાવ્યાં હતાં.