• સહકારી સંસ્થા દ્વારા સંચાલિત સમગ્ર ભારતમાં પ્રથમ સૈનિક સ્કૂલ બનશે
  • મહેસાણા જિલ્લાના બોરિયાવીમાં દૂધસાગર ડેરી સંચાલિત સૈનિક સ્કૂલ ૧૧ એકરમાં ૭૫ કરોડના અંદાજિત ખર્ચે આકાર પામશે
  • દેશમાં પી.પી.પી. ધોરણે ૧૦૦ સૈનિક સ્કૂલ વડાપ્રધાનની પ્રેરણાથી સ્થપાશે- અમિત શાહ

નમસ્કાર ગુજરાત ન્યૂઝ.
કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહે (Amit Shah) મહેસાણા જિલ્લાના બોરિયાવીમાં સહકારી સંસ્થા દ્વારા સંચાલિત દેશની પ્રથમ સૈનિક સ્કૂલનું ઈ-ખાતમુહૂર્ત કર્યું હતું. ઉત્તર ગુજરાતની પ્રતિષ્ઠિત દૂધસહકારી સંસ્થા દૂધસાગર ડેરીના પ્રણેતા મોતીભાઈ ચૌધરીના જન્મશતાબ્દી મહોત્સવ વર્ષના ઉપલક્ષ્યમાં આ સૈનિક સ્કૂલનું નિર્માણ કરવામાં આવશે.

અંદાજે ૭૫ કરોડના ખર્ચે ૧૧ એકર વિસ્તારમાં આકાર પામનારી આ સૈનિક સ્કૂલ પી.પી.પી. ધોરણે કાર્યરત થનારી દેશની ૨૦મી અને સહકારી સંસ્થા દ્વારા નિર્માણ પામનારી દેશની પ્રથમ સૈનિક સ્કૂલ બનશે. કેન્દ્રિય ગૃહમંત્રીએ આ અવસરે સ્પષ્ટપણે જણાવ્યું કે આવી સૈનિક સ્કૂલ જ્ઞાન સાથે રક્ષા, બહાદૂરી અને રાષ્ટ્રસેવાનો ભાવ બાળકોના જીવનમાં લાવી નવો ઉમંગ, નવી ચેતના જગાવશે. એટલું જ નહીં, દેશભક્તિ અને શિસ્તના સંસ્કાર સાથેના નાગરિકો આ સૈનિક સ્કૂલમાંથી તૈયાર થશે.

અમિતભાઈ શાહે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ૯ વર્ષના સુશાસનમાં સહકારી સંસ્થાઓ, એન.જી.ઓ., સેવા સંગઠનો અને સેવાભાવી વ્યક્તિઓ સૌને દેશના વિકાસમાં જોતર્યા છે અને ભારત દિન દૂની રાત ચોગુની વિકાસગતિથી આગળ વધી રહ્યું છે.

તેમણે ઉમેર્યું કે વડાપ્રધાનની પ્રેરણાથી દેશમાં પી.પી.પી. ધોરણે ૧૦૦ સૈનિક સ્કૂલ સ્થપાવાની છે, તેમાંની ૨૦મી અને સહકારી સંસ્થા સંચાલિત પ્રથમ સૈનિક સ્કૂલનું ખાતમુહૂર્ત એ ગુજરાત માટે ગૌરવ ઘટના છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહે દૂધસાગર ડેરીના પ્રણેતા મોતીભાઈ ચૌધરીનું ભાવભર્યું સ્મરણ કરતા જણાવ્યું કે, સાર્વજનિક જીવનમાં આદર્શ કાર્યકર્તા કેવો હોય તેનું ઉત્તમ ઉદાહરણ મોતીભાઈ ચૌધરી હતા. લોકપ્રતિનિધિએ સાદગી અને સરળ જીવનથી કેવી રીતે લોકસંપર્ક કરવો તેનું ઉત્તમ અને આદર્શ દૃષ્ટાંત મોતીભાઈ હતા.

કેન્દ્રીય સહકાર મંત્રીએ કહ્યું કે, કટોકટીની લડાઈ, સહકારી ક્ષેત્રના વિકાસની ગતિ સહિત પશુપાલકોના હિત માટે મોતીભાઈ ચૌધરીએ પ્રેરણાદાયી કામ કર્યું છે. સતત ૩૦ વર્ષ સુધી અવિરત સેવા કરીને મોતીભાઈએ દૂધ સાગરના નામને ખરા અર્થમાં સાર્થક કર્યું છે. ત્રિભુવનદાસ પટેલ સાથે મોતીભાઈએ ખભાથી ખભો મિલાવી બનાસકાંઠા, સાબરકાંઠા અને મહેસાણા ત્રણેય જિલ્લામાં દૂધ ઉત્પાદનનો મોટો યજ્ઞ શરૂ કરવાનું કામ કર્યું હતું, તેની પણ યાદ ગૃહમંત્રીશ્રીએ તાજી કરી હતી.

કેન્દ્રીય મંત્રી અમિતભાઇ શાહે જણાવ્યું હતું કે, રાજ્યમાં જળક્રાંતિથી વિકાસ ક્રાન્તિની નેમ દેશના પ્રધાનમંત્રીશ્રીએ પાર પાડી છે. જળક્રાંતિથી ખેતીની સમૃદ્ધિ સાથે પશુપાલકો પણ સમૃદ્ધ થયા છે. તેનો શ્રેય દેશના યશસ્વી વડાપ્રધાનશ્રીના ફાળે જાય છે.

તેમણે ઉમેર્યું હતું કે, “શબ્દ મોતી” પુસ્તિકા એ મોતીબાપુના જીવન ઝરમરનું પ્રેરણાદાયી પુસ્તક છે. મોતીબાપુએ શરૂ કરેલી દૂધસાગર ડેરી ૫ લાખ પશુપાલકોની આજીવિકા બની છે. ડેરીએ શરૂ કરેલ શૈક્ષણિક સંસ્થાઓમાંથી કારકિર્દી ઘડીને યુવાનો આજે રાષ્ટ્રને ગૌરવ આપી રહ્યા છે. ડેરી દ્વારા દૈનિક ૫ લાખ લીટર દૂધ પ્રોસેસિંગ, માર્કેટિંગ કરી પશુપાલકોને આજીવિકા આપવાનું મોટું કાર્ય થઈ રહ્યું છે, તેમ જણાવી સાગર ડેરીના અવિરત વિકાસ માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

સૈનિક સ્કૂલના ઈ ખાતમુર્હૂત પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે,વિશ્વ નેતા અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકાસની રાજનીતિનો નવો ઇતિહાસ દેશમાં રચ્યો છે. વિકાસની આ રાજનીતિમાં રાષ્ટ્રહિત અને રાષ્ટ્ર રક્ષા સર્વોચ્ચ ગણીને રાષ્ટ્ર સેવા માટેની સજ્જ પેઢી તૈયાર કરવાની તેમની નેમ છે.

મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, બાળપણથી જ બાળકોમાં રાષ્ટ્ર ભાવના પ્રબળ બને અને બાળકો રાષ્ટ્રને સમર્પિત થાય તે માટે દેશમાં પ્રધાનમંત્રીશ્રીએ ૧૦૦ સૈનિક સ્કૂલો શરૂ કરવાનો નિર્ધાર કર્યો છે.