અમદાવાદ અને વડોદરાની લેશે મુલાકાત, 20થી 24 એપ્રિલ દરમિયાન જોનસન આવી રહ્યા છે ભારતના પ્રવાસે
નમસ્કાર ગુજરાત ન્યૂઝ અમદાવાદ
બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસન ભારતના પ્રવાસે આવનારા છે અને 21 એપ્રિલના રોજ તેઓ ગુજરાતની મુલાકાત લે તેવી સંભાવના છે. બોરિસ જોનસનની 20થી 24 એપ્રિલ દરમિયાન ભારતના પ્રવાસે આવશે. તેઓ ગુજરાતમાં અમદાવાદના સાબરમતિ આશ્રમ અને વડોદરા ખાતે એક ખાનગી કંપનીના સમારોહમાં હાજરી આપે તેવી શક્યતા છે. નોંધનીય છે કે જોનસન ભારતના 72મા ગણતંત્ર દિવસે મુખ્ય અતિથિ તરીકે આવનારા હતા પરંતુ કોરોનાના વધતા કેસને પગલે તેમની યાત્રા રદ્દ કરવામાં આવી હતી.
હાલ ભારત અને યુકે વચ્ચે પણ ઓસ્ટ્રેલિયા તથા સાઉદી અરેબિયા બાદ ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટને લઇ વાટાઘાટો થઇ રહી છે અને જોનસનની આ યાત્રા દરમિયાન તેના પર ચર્ચા પણ સંભવિત થઇ શકે છે. તમને જણાવી દઈએ કે, ભારતને ગણતંત્ર દિવસ પર શુભેચ્છા પાઠવતા બોરિસ જોનસને કહ્યું હતું કે, “હું આ વર્ષે ભારત આવવાની રાહ જોઈ રહ્યો છું, જેથી અમે અમારી મિત્રતા મજબૂત કરી શકીએ, સંબંધોને આગળ લઈ જઈ શકીએ, જેનો વડાપ્રધાન મોદી અને મે સંકલ્પ કર્યો હતો.