આજે ધૂળેટી પર્વના દિવસે આજે સોમવારે સવારે ભસ્મ આરતી દરમિયાન કેમિકલવાળી ગુલાલ ઉડાડતા આગ લાગી
ભારતના ઉજ્જૈન સ્થિત વિશ્વ પ્રસિદ્ધ જ્યોતિર્લિંગ શ્રી મહાકાલેશ્વરના ગર્ભગૃહમાં આજે ધૂળેટી પર્વના દિવસે સોમવારે સવારે ભસ્મ આરતી દરમિયાન કેમિકલવાળી ગુલાલ ઉડાડતા આગ લાગતા ભારે અફરા તફરી મચી ગઇ હતી આ ઘટનામાં મંદિરના પૂજારી સહિત 13 લોકો દાઝી ગયા હતા.
આરતી દરમિયાન ગુલાલ ઉડાવવાને કારણે આગ ફાટી નીકળી હોવાનું સામે આવ્યું છે.
આ ઘટના સમયે મંદિરમાં હજારો ભક્તો હાજર હતા અને બધા મહાકાલ સાથે હોળીની ઉજવણી કરી રહ્યા હતા.
દાઝી ગયેલા એક સેવકે જણાવ્યું કે પાછળથી આરતી કરી રહેલા પૂજારી સંજીવ પર કોઈએ ગુલાલ નાખ્યો હતો જે ગુલાલ દીવા પર પડ્યો અને ગુલાલમાં કેમિકલ હોવાના કારણે આગ લાગી હતી.
ગર્ભગૃહની ચાંદીની દીવાલને રંગથી બચાવવા માટે ત્યાં ફ્લેક્સ લગાવ્યા આવ્યા હતા તેમાં પણ આગ ફેલાઈ હતી.
સ્થળ ઉપર દોડી ગયેલા ફાયર ફાયટરોએ આગને કાબૂમાં લીધી હતી.
મંદિરમાં આરતી કરી રહેલા સંજીવ પૂજારી, વિકાસ, મનોજ, સેવાધારી આનંદ કમલ જોષી સહિત ગર્ભગૃહમાં હાજર 13 લોકો દાઝી ગયા હતા.
જે તમામને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
આ ઘટનાને લઈ ભારે ચકચાર મચી ગઇ છે.