જાન્યુઆરી 2022માં અમેરિકામાં ગેરકાયદેસર ઘુસણખોરી દરમિયાન ડિંગુચા ગામના એક પરિવારના 4 સભ્યોના મોત થયા હતા
29 વર્ષીય હર્ષ રમણલાલ પટેલ ઉર્ફે ડર્ટી હેરી અને માનવ તસ્કર સ્ટીવ સેન્ડને દોષિત ઠેરવાયા, અમેરિકાનની કોર્ટે બંનેને દોષિત ઠેરવ્યા
કેનેડા-યુએસ સરહદ પાર કરવાનો પ્રયાસ કરતી વખતે ગુજરાતના કલોલ તાલુકાના ડિંગુચાના પરિવારના ચાર સભ્યોના મોત થયા હતા. હવે આ માનવ તસ્કરી સંબંધિત આરોપોમાં બે પુરુષોને દોષી ઠેરવવામાં આવ્યા છે. હર્ષકુમાર રમણલાલ પટેલ, 29 વર્ષીય ભારતીય નાગરિક કે જે “ડર્ટી હેરી” તરીકે ઓળખાય છે અને અને ફ્લોરિડાના 50 વર્ષીય સ્ટીવ શેન્ડ એક સુનિયોજિત ગેરકાયદેસર માનવ તસ્કરીનો ભાગ હતા, તેમ યુએસ એટર્ની જનરલે જણાવ્યું છે.
મિનેસોટાના યુએસ એટર્ની એન્ડી લુગરે જણાવ્યું હતું કે ટ્રાયલ “માનવ દાણચોરી અને તે ગુનાહિત સંગઠનોની અકલ્પ્ય ક્રૂરતાનો પર્દાફાશ કરે છે જે માનવતા કરતાં નફા અને લોભને મહત્વ આપે છે”. “કેટલાક હજાર ડોલર કમાવવા માટે, આ તસ્કરો પુરુષો, સ્ત્રીઓ અને બાળકોને અસાધારણ જોખમમાં મૂકે છે જે સમગ્ર પરિવારના ભયાનક અને દુઃખદ મૃત્યુ તરફ દોરી જાય છે”. “આ અકલ્પનીય લોભને કારણે, એક પિતા, એક માતા અને બે બાળકો સબ-ઝીરો તાપમાનમાં થીજીને મોતને ભેટ્યા હતા.”
કેનેડા પોલીસની ટીમ પણ ગુજરાતમાં કરી હતી તપાસ
જગદીશ પટેલ, તેમની પત્ની વૈશાલીબેન, તેમની 11 વર્ષની પુત્રી વિહાંગી અને ત્રણ વર્ષનો પુત્ર ધાર્મિક – 19 જાન્યુઆરી 2022ના રોજ બરફવર્ષા દરમિયાન યુએસ જવાનો પ્રયાસ કરતી વખતે થીજી જવાથી મૃત્યુ પામ્યા હતા. ડિંગુચાના પટેલ પરિવારના મોત મામલે કેનેડા પોલીસની ટીમે ગુજરાત ધામા નાખ્યા હતા. કેનેડા પોલીસીની ટીમે ગુજરાતમાં તપાસ શરૂ કરી છે. કેનેડા પોલીસની ટીમ સ્થાનિક પોલીસની સાથે મળીને અમદાવાદ અને અન્ય શહેરોમાં તપાસ કરી રહી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, કેનેડા પોલીસની ટીમ કેટલાક લોકોની પૂછપરછ કરી હતી.
અમેરિકા-કેનેડા બોર્ડર પર ઘૂસણખોરી કરવાના પ્રયાસ દરમિયાન મોતને ભેટેલા પટેલ પરિવારની ઘટના બહાર આવ્યા બાદ કલોલ નજીકના ડીંગુચા ગામનું નામ આખીય દુનિયામાં ચર્ચામાં આવી ગયું હતુ.
ઝીરો ડિગ્રીમાં પરિવારનું થીજી જવાથી થયું હતું મોત
ડિંગુચા ગામના પટેલ પરિવારના ચાર સભ્યોના થીજી જવાથી મૃત્યું થયા હતા. તેઓ પણ કેનેડાથી અમેરિકામાં ગેરકાયદે પ્રવેશ કરી રહ્યા હતા. પરંતુ તાપમાન ખૂબ જ નીચુ હોવાના કારણે તેઓ ઠંડી સહન કરી શક્યા નહોતા અને થીજી જવાથી તેમનું મૃત્યુ થયું હતું.