રાજેન્દ્ર ત્રિવેદી પાસેથી મહેસૂલ વિભાગ છીનવી હર્ષ સંઘવીને સોંપાયો, પૂર્ણેશ મોદીનું માર્ગ-મકાન મંત્રાલય જગદીશ પંચાલને ફાળવાયું
નમસ્કાર ગુજરાત ન્યૂઝ.
ગુજરાતની રાજનીતિમાં સૌથી મોટો ખળભળાટ મચી ગઇ છે. જન્માષ્ટમીના બીજા દિવસે જ રાજ્યના બે દિગ્ગજ મંત્રીઓ પાસેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખાતાઓ પરત ખેચી લીધા છે. ગુજરાત ભાજપના પ્રભારી રવિવારે રાજ્યના પ્રવાસે આવે તે પહેલા જ બે મંત્રીઓ રાજેન્દ્ર ત્રિવેદી પાસેથી મહેસૂલ વિભાગ અને પૂર્ણેશ મોદી પાસેથી માર્ગ અને મકાન ખાતુ છીનવી લેવાયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહેસૂલ ખાતુ હર્ષ સંઘવીને તો માર્ગ અને મકાન ખાતુ જગદીશ વિશ્વકર્માને સોંપ્યુ છે.
ચૂંટણી પહેલા મોટો ફેરફાર ?
આ તરફ ગુજરાતની ચૂંટણીને હવે થોડો જ સમય બાકી રહ્યો છે ત્યારે રાજ્યમાં અચાનક આવેલા બદલાવ પાછળ ફરીથી રાજકીય પંડિતો વિચારમાં પડી ગયા છે. કારણ કે થોડા મહિનાઓ પહેલા આખી સરકાર બદલવાનો ભાજપે નિર્ણય લીધો હતો ત્યાં હવે બે કેબિનેટ મંત્રીઓના ખાતાઓ છીનવાઇ જતા અનેક તર્કવિતર્ક સર્જાયા છે. જોકે આ બધાની વચ્ચે હર્ષ સંઘવીને લોટરી લાગી છે કારણ કે તેમને હવે સંપૂર્ણ કેબિનેટ ખાતુ એવું મહેસૂલ મંત્રી તરીકેનું ઇનામ મળ્યું છે. પરંતુ ગાંધીનગરમાં ચર્ચા ચાલી રહી છે કે બાબુઓની જોહુકમી ક્યાંક રાજેન્દ્ર ત્રિવેદીને નડી ગઇ હોઇ શકે છે. જ્યારે સુરતના જ પૂર્ણેશ મોદીને ચોમાસામાં ધોવાયેલા રોડને પગલે માર્ગ મકાન વિભાગ છીનવાયો હોવાનું જાણવા મળી રહ્યું છે. પૂર્ણેશ મોદી પોતાની બોલ્ડ કામગીરી માટે જાણીતા હતા અને કડકપણે પોતાના નિર્ણયોનો અમલ કરાવતા હતા.
જગદીશ વિશ્વકર્માને પણ લોટરી લાગી
અમદાવાદના ધારાસભ્ય જગદીશ વિશ્વકર્મા પહેલા ઉદ્યોગ રાજ્ય મંત્રી હતા જોકે તેમને હવે સીધા જ કેબિનેટ મંત્રી તરીકેનું પ્રમોશન મળ્યું છે. આ તરફ બે ફેરફાર બાદ ગાંધીનગર કમલમ ખાતે સીઆર પાટિલની અધ્યક્ષતામાં પણ બેઠક યોજાઇ હોવાનું સંભળાઇ રહ્યું છે. નોંધનીય છે કે ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ સરકારને હજુ એક વર્ષ પણ થયું નથી ત્યાં બે મોટા ફેરફારથી ભૂકંપ જેવી પરિસ્થિતિ છે. આ તરફ ગૃહમંત્રી અમિત શાહ ગઇકાલે જ ગુજરાત આવ્યા હતા અને પ્રભારી બીએલ સંતોષ ગુજરાત આવે તે પહેલા જ અચાનક થયેલા ફેરફારથી ગાંધીનગરમાં નવી ચર્ચાએ જન્મ લીધો છે કે ચૂંટણી પહેલા કેટલાક ધારાસભ્યો ભૂતપૂર્વ થઇ જશે.