ડીકિન અને વુલનગોંગ યુનિવર્સિટીના કેમ્પસ ગાંધીનગર ગિફ્ટ સિટીમાં સ્થપાશે, ઓસ્ટ્રેલિયન વડાપ્રધાન એન્થની અલ્બેનીઝ કરશે એલાન
કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને બુધવારે જાહેરાત કરી હતી કે ઓસ્ટ્રેલિયાની બે યુનિવર્સિટીઓ ગુજરાતના ‘ગિફ્ટ સિટી’માં તેમના કેમ્પસ સ્થાપશે. આ યુનિવર્સિટીઓ વોલોન્ગોંગ અને ડીકિનની યુનિવર્સિટીઓ છે જે આવતા અઠવાડિયે ઓસ્ટ્રેલિયન વડા પ્રધાન એન્થોની અલ્બેનીઝની ભારતની પ્રથમ મુલાકાત દરમિયાન તેમના કેમ્પસ સ્થાપવા માટે કરાર પર હસ્તાક્ષર કરશે.
દિલ્હી યુનિવર્સિટીની વેંકટેશ્વર કોલેજમાં આયોજિત એક કાર્યક્રમમાં પ્રધાને આ જાહેરાત કરી હતી. આ સમારોહમાં ઓસ્ટ્રેલિયાના શિક્ષણ મંત્રી જેસન ક્લેરે પણ હાજરી આપી હતી જેઓ ચાર દિવસની ભારતની મુલાકાતે છે. તેમણે કહ્યું, “બે ઓસ્ટ્રેલિયન યુનિવર્સિટીઓ ગુજરાતમાં ગિફ્ટ સિટી ખાતે તેમના કેમ્પસ સ્થાપશે. અમે અમારા યુવાનોને સુલભ, સસ્તું અને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવા માટે ઓસ્ટ્રેલિયા સાથે ભાગીદારી કરવા આતુર છીએ.”
ઓસ્ટ્રેલિયન મંત્રીએ એવી પણ જાહેરાત કરી હતી કે ભૂતપૂર્વ ક્રિકેટર એડમ ગિલક્રિસ્ટ, યુનિવર્સિટી ઓફ વોલોન્ગોંગના વૈશ્વિક બ્રાન્ડ એમ્બેસેડર, ભારતમાં યુનિવર્સિટીની સ્થાપના માટે સહયોગ કરશે. ડીકિન ક્યૂએસ વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગમાં 266માં સ્થાને છે અને દુનિયાની ટોપ 50 યુવા વિશ્વવિદ્યાલયોમાં સામેલ છે. આ સિવાય યુનિવર્સિટીને ટાઇમ્સ હાયર એજ્યુકેશન વર્લ્ડ રેન્કિંગમાં 250-300 બેન્ડમાં રાખવામાં આવી છે.