સ્પામ અને બોટ્સ એકાઉન્ટ્સને હટાવી ન લેવાય ત્યાં સુધી ડીલ હોલ્ડ પર મૂકાઇ, એલન મસ્કે ટ્વિટ કરીને કરી જાહેરાત

એલન મસ્કે ટ્વિટર ડીલ હોલ્ડ પર રાખી દીધી છે. જો કે, સોદો કાયમ માટે હોલ્ડ પર મૂકવામાં આવ્યો નથી, પરંતુ તેઓએ તેને અસ્થાયી ધોરણે હોલ્ડ પર મૂક્યો છે. મસ્કે ટ્વિટર ડીલને હોલ્ડ પર રાખવાનું કારણ સ્પામ એકાઉન્ટને ગણાવ્યું છે. ગયા મહિનાની શરૂઆતમાં, મસ્કે ટ્વિટરને $ 44 બિલિયનમાં ખરીદવા માટે સોદો કર્યો હતો. એલન મસ્કે ટ્વીટ કરીને જાણકારી આપી છે કે ટ્વિટર ડીલ અસ્થાયી ધોરણે હોલ્ડ પર રાખવામાં આવી છે. વાસ્તવમાં, ટ્વિટરે એક ફાઇલિંગમાં માહિતી આપી હતી કે તેમાંથી માત્ર 5% લોકોના પ્લેટફોર્મ પર સ્પામ/ફેક એકાઉન્ટ છે. આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર 229 મિલિયન યુઝર્સ છે.

ડીલમાં અવરોધ બન્યા બોટ્સ
મસ્કે ગયા અઠવાડિયે જ આ ડીલ માટે $7 બિલિયન સિક્યોર કર્યા છે, જેથી તે આ $44 બિલિયનની ડીલ પૂરી કરી શકે. એલન ડીલના સમયથી પ્લેટફોર્મ પર હાજર નકલી અને બોટ એકાઉન્ટને દૂર કરવાની વાત કરી રહ્યા છે. તેમણે ડીલ સમયે કહ્યું હતું કે જો આ ડીલ થશે તો તેની પ્રાથમિકતા પ્લેટફોર્મ પરથી બોટ એકાઉન્ટને હટાવવાની રહેશે.

હજુ સોદો અંતિમ તબક્કામાં પહોંચે તે પહેલા ઘણાં જોખમ
આ મહિનાની શરૂઆતમાં, કંપનીએ તેની ફાઇલિંગમાં જણાવ્યું હતું કે જ્યાં સુધી સોદો બંધ ન થાય ત્યાં સુધી તેઓ વિવિધ જોખમોનો સામનો કરી રહ્યા છે. ખાસ કરીને જાહેરાત સાથે સંબંધિત. શું જાહેરાતકર્તાઓ ટ્વિટર પર ખર્ચ કરવાનું ચાલુ રાખશે અને ‘ભવિષ્યની યોજનાઓ અને વ્યૂહરચના વિશે હજુ પણ ઘણી અનિશ્ચિતતા છે’. ડીલને હોલ્ડ પર રાખવાની માહિતી મળતા જ ટ્વિટરના શેરમાં ભારે ઘટાડો થવાની ધારણા છે. પ્રી-માર્કેટ ટ્રેડિંગમાં જ કંપનીના શેર લગભગ 20% ઘટ્યા હતા. થોડા દિવસો પહેલા એક ફર્મે ટ્વિટર અને મસ્ક વચ્ચેની ડીલ અંગે આવી અટકળો લગાવી હતી. શોર્ટ સેલર હિંડનબર્ગ રિસર્ચે પોતાના રિપોર્ટમાં જણાવ્યું હતું કે જો એલોન મસ્ક આ ડીલમાંથી પીછેહઠ કરે છે તો ટ્વિટરની નવી ડીલની કિંમતમાં ઘટાડો થશે. જો કે, જો ડીલ કેન્સલ થશે તો મસ્કને મોટી રકમ ચૂકવવી પડશે.