અભિનેતા ગૂફી પેન્ટલે શકુની માના પાત્રથી એક અલગ જ ઓળખ બનાવી હતી, અનેક સિરીયલ અને ફિલ્મોમાં યાદગાર ભૂમિકાઓ ભજવી હતી

સોમવારે સવારે મનોરંજન જગતમાંથી વધુ એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. ટીવી સીરિયલ મહાભારતમાં શકુની મામાની ભૂમિકા ભજવીને ઘર-ઘરમાં જાણીતા બનેલા એક્ટર ગૂફી પેન્ટલનું નિધન થયું છે. બે દિવસ પહેલા અભિનેતાની તબિયત ખરાબ હોવાના સમાચાર સામે આવ્યા હતા. ટીવી ઉપરાંત, ગૂફી પેન્ટલે ઘણી ફિલ્મોમાં નોંધપાત્ર ભૂમિકાઓ ભજવી હતી.

ત્રણ દિવસ પહેલા હોસ્પિટલમાં દાખલ થયા હતા
અભિનેતાના હોસ્પિટલમાં દાખલ થવાના સમાચાર શુક્રવારે સામે આવ્યા હતા. ગુફી પેન્ટલના ભત્રીજા હિતને પણ તેમની તબિયત અંગે માહિતી આપી હતી. હિતેને જણાવ્યું હતું કે પીઢ અભિનેતા પહેલાથી જ હૃદય અને કિડની સંબંધિત બિમારીઓ સામે ઝઝૂમી રહ્યા હતા અને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થયા હતા. જોકે આજે સોમવારે તેઓ પરિવારની હાજરી વચ્ચે આ દુનિયા છોડી ચૂક્યા છે. અભિનેતાનું પૂરું નામ સરબજીત ગૂફી પેન્ટલ હતું.

આજે સાંજે 4 કલાકે અંતિમ સંસ્કાર કરવામાં આવશે
મીડિયા રિપોર્ટ્સ અનુસાર તેમના અંતિમ સંસ્કાર આજે સાંજે 4 વાગ્યે મુંબઈમાં કરવામાં આવશે. એક અઠવાડિયા પહેલા ગૂફીની તબિયત બગડી હતી. તે સમયે તેઓ ફરીદાબાદમાં હતા. આ પહેલા તેને ફરીદાબાદની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા ત્યારપછી જ્યારે તબિયત બગડી તો તેને મુંબઈ લઈ જવામાં આવ્યા, જ્યાં તેમની સારવાર ચાલી રહી હતી.

ગૂફી પેન્ટલે ઘણા શોમાં કામ કર્યું હતું
ગૂફી પેઇન્ટલના ટીવી કરિયરની વાત કરીએ તો તેણે ‘મહાભારત’, ‘મિસિસ કૌશિક કી પાંચ બહું’, ‘કર્ણ સંગિની’, ‘જય કન્હૈયા લાલ કી’ જેવી ઘણી સીરિયલ્સમાં કામ કર્યું હતું. આ સિવાય તેણે ‘રફુચક્કર’, ‘દિલ્લગી’, ‘દેશ પરદેશ’, ‘મેદાન-એ-જંગ’, ‘દાવા’, ‘ધ રિવેન્જઃ ગીતા મેરા નામ’ સહિત અનેક હિન્દી ફિલ્મોમાં પણ પાત્રો ભજવ્યા હતા. ગૂફીએ 1975માં ‘રફુચક્કર’થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી.