વ્હાઇટ હાઉસની ફેક્ટશીટમાં સામે આવ્યા ચોંકાવનારા ખુલાસા, અમેરિકન કંપનીઓ દ્વારા વિદેશી કર્મચારીઓની ભરતી કરવાથી અમેરિકન યુવાનોની નોકરીઓ ગઈ
ન્યૂ જર્સીથી વરિષ્ઠ પત્રકાર સમીર શુક્લનો અહેવાલ
અમેરિકામાં H-1B વિઝાને લઈને દુનિયાભરમાં ચર્ચા ચાલી રહી છે. લોકોના મનમાં એક જ સવાલ છે કે આખરે ડોનાલ્ડ ટ્રમ્પે રાતોરાત H-1B વિઝાની ફી કેમ વધારી દીધી? આ પ્રશ્નના જવાબમાં, વ્હાઇટ હાઉસે એક ફેક્ટશીટ જાહેર કરીને આ નિર્ણય પાછળનું કારણ સ્પષ્ટ કર્યું છે.
વ્હાઇટ હાઉસનો મુખ્ય દાવો એ છે કે કેટલીક અમેરિકન કંપનીઓ H-1B વિઝાનો ઉપયોગ કરીને વિદેશી ટેક કર્મચારીઓને ઓછા પગારે નોકરી આપે છે, જેના કારણે અમેરિકનોને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવે છે. આ ફેક્ટશીટમાં જણાવ્યા અનુસાર, 2025માં જ અમેરિકન કંપનીઓએ 40,000થી વધુ IT કર્મચારીઓને છૂટા કર્યા, પરંતુ તે જ સમયગાળામાં H-1B વિઝા માટે હજારો અરજીઓ મંજૂર કરવામાં આવી. આ આંકડાઓ દર્શાવે છે કે H-1B વિઝાનો ઉપયોગ અમેરિકન યુવાનોને નુકસાન પહોંચાડી રહ્યો છે.
ફેક્ટશીટમાં સામે આવેલા મુખ્ય તથ્યો:
- વધતી બેરોજગારી: 2023માં IT ક્ષેત્રમાં H-1B વિઝાની માંગ 32% થી વધીને 65% થઈ ગઈ હતી, જેના કારણે અમેરિકન યુવાનોમાં બેરોજગારી વધી.
- STEM ક્ષેત્રમાં વિદેશીઓની સંખ્યા: ફેક્ટશીટ અનુસાર, કોમ્પ્યુટર સાયન્સ અને એન્જિનિયરિંગ જેવા STEM (સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સ) ક્ષેત્રોમાં અમેરિકન ગ્રેજ્યુએટ્સમાં બેરોજગારીનું પ્રમાણ 6.1% અને 7.5% જેટલું ઊંચું છે. 2000 થી 2019 દરમિયાન આ ક્ષેત્રમાં નોકરીઓ 44.5% વધી હતી, જ્યારે વિદેશી કર્મચારીઓની સંખ્યા બમણી થઈ ગઈ હતી.
- નોકરી ગુમાવનારા અમેરિકનો: ફેક્ટશીટમાં ઉદાહરણ તરીકે કેટલીક કંપનીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જ્યાં 2025માં હજારો H-1B વિઝા ધારકોને નોકરી આપવામાં આવી, જ્યારે તે જ સમયે હજારો અમેરિકન નાગરિકોને નોકરીમાંથી દૂર કરવામાં આવ્યા.
અમેરિકન સરકારનો દાવો છે કે આ ચોંકાવનારા આંકડાઓ સામે આવતા ‘અમેરિકા ફર્સ્ટ’ નીતિ હેઠળ આ પગલું ભરવામાં આવ્યું છે. આ પગલાંનો ઉદ્દેશ કંપનીઓ અમેરિકન યુવાનોને નોકરીમાં પ્રાથમિકતા આપે તે સુનિશ્ચિત કરવાનો છે.