હમાસ વહીવટ છોડવા પણ તૈયાર, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ભૂમિકાને હમાસે બિરદાવી; સંઘર્ષ સમાપ્ત કરવા માટે તાત્કાલિક વાટાઘાટો માટે તૈયારી

પેલેસ્ટિનિયન સશસ્ત્ર જૂથ હમાસે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા રજૂ કરાયેલી ગાઝા શાંતિ યોજના (Gaza Peace Plan) પર હકારાત્મક પ્રતિભાવ આપ્યો છે. હમાસે શુક્રવારે જાહેરાત કરી કે તેઓ આ યોજના હેઠળ તમામ ઇઝરાયેલી બંધકો (જીવિત અથવા મૃત) ને મુક્ત કરવા તૈયાર છે, જે ઓક્ટોબર 2023 માં ઇઝરાયેલ પરના હુમલા દરમિયાન અપહરણ કરાયા હતા. હમાસનો આ નિર્ણય ગાઝામાં ચાલી રહેલા સંઘર્ષને સમાપ્ત કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ સફળતા સાબિત થઈ શકે છે.
યોજનાની મુખ્ય શરતો અને હમાસની તૈયારી:
હમાસે એક નિવેદનમાં જણાવ્યું કે તેઓ મધ્યસ્થીઓ દ્વારા તાત્કાલિક ધોરણે આ યોજના પર વિગતવાર ચર્ચામાં જોડાવા માટે તૈયાર છે. આ યોજનાની મુખ્ય શરતો આ પ્રમાણે છે:
- બંધકોની મુક્તિ: શાંતિ કરારના 72 કલાકની અંદર હમાસે તમામ ઇઝરાયેલી બંધકોને મુક્ત કરવા પડશે. જેના બદલામાં ઇઝરાયેલ સેંકડો પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કરશે.
- ગાઝા પર નિયંત્રણનો અંત: હમાસે ગાઝાનો વહીવટ છોડી દેવો પડશે અને તેનું નિયંત્રણ ‘સ્વતંત્ર તકનીકી નિષ્ણાતોની પેલેસ્ટિનિયન સંસ્થા’ ને સોંપવામાં આવશે, જે આંતરરાષ્ટ્રીય દેખરેખ હેઠળ કામ કરશે.
ટ્રમ્પના અલ્ટીમેટમની અસર:
અગાઉ, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હમાસને રવિવાર સાંજ સુધીમાં આ શાંતિ યોજના સ્વીકારવા માટેનું અલ્ટીમેટમ આપ્યું હતું, અને ચેતવણી આપી હતી કે જો તેઓ સહમત નહીં થાય તો ગાઝામાં તેના ભયાનક પરિણામો આવશે. ટ્રમ્પે જણાવ્યું હતું કે જો હમાસ આ યોજનાનો અસ્વીકાર કરશે, તો ઇઝરાયેલને હમાસને સંપૂર્ણપણે ખતમ કરવા માટે અમેરિકાનું સંપૂર્ણ સમર્થન મળશે.
હમાસે ગાઝા સંઘર્ષને સમાપ્ત કરવાના પ્રયાસોમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ભૂમિકા માટે તેમનો આભાર વ્યક્ત કર્યો છે. હમાસની આ સંમતિ મધ્ય પૂર્વમાં લાંબા ગાળાની શાંતિની દિશામાં એક મુખ્ય પગલું માનવામાં આવે છે.