ચીન દુર્લભ ખનીજ અને સોયાબીનની ખરીદી ફરી શરૂ કરશે, દ. કોરિયામાં બેઠક બાદ ટ્રમ્પનો મોટો નિર્ણય: ચીન પરનો ટેરિફ 57% થી ઘટાડી 47% કરાયો; યુએસના ખેડૂતો માટે ‘ખૂબ મોટી જીત’

US China Trade Deal, Donald Trump, Xi Jinping, South Korea, Busan, White House, US Tariff, China Soybean,

US-China Trade Deal : વોશિંગ્ટન/બુસાન: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald trump) અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ (Xi Jinping) વચ્ચે દક્ષિણ કોરિયાના બુસાન શહેરમાં યોજાયેલી બેઠક બાદ મોટા આર્થિક અને વ્યાપારી નિર્ણયોની જાહેરાત કરવામાં આવી છે. ટ્રમ્પે ચીન પર લાગુ કરાયેલા ટેરિફમાં 10% નો ઘટાડો કરીને તેને 57% થી 47% કરવા પર સહમતિ દર્શાવી છે, જ્યારે બદલામાં ચીન દ્વારા સોયાબીન અને રેયર અર્થ મિનરલ્સ (દુર્લભ ખનીજો) ના વ્યાપારને ફરી શરૂ કરવા પર સહમતિ બની છે.

યુએસ-ચીન સંબંધોની નવી શરૂઆત

ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે જાહેરાત કરી કે શી જિનપિંગ સાથેની તેમની બેઠક ‘અદભૂત’ રહી છે અને આ બેઠક યુએસ-ચીન સંબંધોમાં ‘એક શાનદાર નવી શરૂઆત’ છે. બુસાનમાં બંધ બારણે બે કલાકથી વધુ ચાલેલી વાતચીત બાદ આ મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે.

  • ટેરિફમાં ઘટાડો: યુએસએ ચીન પર લાગુ ટેરિફને 57% થી ઘટાડીને 47% કર્યો છે, જેનાથી અમેરિકામાં ચીનના નિકાસ પ્રવાહમાં હવે ‘કોઈ અવરોધ’ નહીં આવે.
  • સપ્લાય ચેઇન: રેયર અર્થ મિનરલ્સ (Rare Earth Minerals), ચિપ્સ અને અન્ય મુદ્દાઓ જે તણાવનું મુખ્ય કારણ બન્યા હતા, તેના પર પણ સહમતિ સધાઈ છે. અમેરિકી અધિકારીઓએ પુષ્ટિ આપી કે ચીન દુર્લભ ખનીજોની નિકાસ ચાલુ રાખશે, જેનાથી સપ્લાય ચેઇન સંબંધિત ચિંતાઓ ઓછી થશે.

સોયાબીનની ખરીદી અને અન્ય નિર્ણયો

ચીન દ્વારા યુએસ સોયાબીનની ખરીદી ફરી શરૂ કરવાની સહમતિને ટ્રમ્પે ‘અમારા ખેડૂતો માટે એક ખૂબ મોટી જીત’ ગણાવી છે. ચીન યુએસ સોયાબીનનું સૌથી મોટું ખરીદદાર રહ્યું છે. ગયા વર્ષે યુએસએ $24.5 બિલિયન મૂલ્યનું સોયાબીન નિકાસ કર્યું હતું, જેમાંથી એકલા ચીને $12.5 બિલિયન મૂલ્યની ખરીદી કરી હતી. ટેરિફ તણાવને કારણે ચીને આ ખરીદી અટકાવી દીધી હતી.

અન્ય નિર્ણયોમાં:

  • Fentanyl નિયંત્રણ: ચીન દ્વારા ફેન્ટેનિલ (Fentanyl) ને રોકવા માટે સખત મહેનત કરવા પર સહમતિ બની.
  • ચિપ્સ: ચિપ્સના મુદ્દે શી જિનપિંગ NVIDIA અને અન્ય સંબંધિત કંપનીઓ સાથે ચર્ચા કરશે.

આ જાહેરાત પહેલા, ચીન દ્વારા રેયર અર્થ મિનરલ્સ પર પ્રતિબંધ વધારવાના પગલા સામે ટ્રમ્પે ચીન પર 100% ટેરિફ લગાવવાની જાહેરાત કરી હતી, પરંતુ હવે તમામ મુદ્દાઓ પર સહમતિ બની ગઈ હોવાથી બંને દેશોના વ્યાપાર સંબંધો એક નવું સ્વરૂપ લેશે.